ન્યુ ગાંધીનગર વિસ્તારમાં મેલેરિયાએ માથું ઉચક્યુ

1117

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં મેલેરિયાએ માથુ ઉંચક્યુ છે. છેલ્લા એક માસમાં આ વિસ્તારમાં મેલેરિયાના ૩૦ જેટલા કેસો નોંધાયા છે. મેલેરિયાની સાથે ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા વરસાદી ઝાપટા અને સતત ભેજવાળા વાતાવરણના કારણે આ સ્થિતી ઉત્પન્ન થઇ છે. જોકે, મેલેરિયા તંત્ર દ્વારા મચ્છરોને ડામી દેવા માટે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ જે રીતે મચ્છરોને અનુકુળ વાતાવરણ છે તે જોતા આગામી દિવસોમાં સ્થિતી વધુ વણસે તેવી સંભાવના છે.

મેલેરિયા તંત્ર માટે ન્યુ ગાંધીનગર વિસ્તાર મચ્છરોની ઉત્પત્તીને કારણે માથાનો દુખાવો બની રહ્યો છે. ચોમાસાના પ્રારંભે અહિ કુડાસણ નજીક આવેલા કાનમ ફ્‌લેટમાંથી ચાર જેટલા ડેન્ગ્યુના પોઝિટીવ કેસ મળી આવ્યા હતા. ત્યારબાદ છુટાછવાયા કેસો નોંધાયા હતા. પરંતુ જિલ્લા મેલેરિયા તંત્રની લોકજાગૃતિના સંદેશ અને મચ્છર નાબુદી માટે હાથ ધરવામાં આવેલી કામગીરીના કારણે આ વિસ્તારમાં ડેન્ગ્યુ કંટ્રોલમા આવી ગયો છે. પરંતુ ન્યુ ગાંધીનગરના અન્ય વિસ્તારો સરગાસણ, વાવોલ જેવા વિસ્તારોમાં હવે મેલેરિયાએ માથુ ઉંચક્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ, ન્યુ ગાંધીનગરના ઉપરોક્ત વિસ્તારમાંથી છેલ્લા એક માસમાં મેલેરિયાના ૩૦ જેટલા કેસો નોંધાયા છે.

મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં જે ઝડપે વધારો થઇ રહ્યો છે તેને લઇ જિલ્લા મેલેરિયા તંત્ર ચિંતીત છે. જોકે, આ પાછળ અત્યારનું વાતાવરણે મુખ્ય ભાગ ભજવ્યો છે. જિલ્લામાં છેલ્લા અઢી માસથી વાદળછાયુ વાતાવરણ છે. ભેજનું પ્રમાણ પણ ૭૦ થી ૯૦ ટકા વચ્ચે રહે છે. આ ઉપરાંત એક બે દિવસને બાદ કરતા ધોધમાર વરસાદ પણ પડયો નથી. માત્ર છુટાછવાયા વરસાદી ઝાપટા અને ઝરમર વરસાદ પડી રહ્યો છે. આ વાતાવરણ મચ્છરોની ઉત્પત્તી માટે ખુબજ અનુકુળ છે. જેના કારણે મેલેરિયા અને ડેન્ગ્યુ કાબુ બહાર જાય તેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. ખાસ કરીને ઓગષ્ટ માસમાં સ્થિતી વધુ વણસી છે. જુન જુલાઇ માસમાં મેલેરિયા ડેન્ગ્યુનો  રેશિયો ડિક્લાઇન જોવા મળતો હતો. પંરતુ ઓગષ્ટના પ્રારંભથી અત્યાર સુધીમાં તેનો ગ્રાફ ઉંચકાતો જાય છે.  અનુકુળ વાતાવરણના કારણે મચ્છરોમાં પણ વધારો થાય છે.  આ સ્થિતીને કાબુમાં લેવા માટે લોકજાગૃતિ મહત્વનું પરિબળ છે.

Previous article૬ નગરપાલિકાની ૧૨ બેઠકો માટે ૨૫મી સપ્ટેમ્બરે મતદાન
Next articleકલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા મેગા જોબ ફેરનું આયોજન