૬ નગરપાલિકાની ૧૨ બેઠકો માટે ૨૫મી સપ્ટેમ્બરે મતદાન

1950

પેથાપુર પાલિકામાં વોર્ડ નંબર ૪માં મહિલા સભ્યના રાજીનામાથી ખાલી પડેલી એક બેઠકની ચૂંટણી ૨૫મી સપ્ટેમ્બરે યોજવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતા પેથાપુરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવશે. વોર્ડ નંબર ૪માં સભ્ય સંગીતાબેન પટેલ દ્વારા રાજીનામુ આપવામાં આવ્યાના પગલે આ બેઠક ખાલી પડી હતી.

૬ નગરપાલિકાઓની ૧૨ બેઠકોની પેટા ચૂંટણી માટે ૨૫મી સપ્ટેમ્બરના મંગળવારે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે આ ચૂંટણી માટે જાહેરાત કરી છે. આ બેઠકો કાઉન્સિલરોના મૃત્યુ કે અન્ય કારણોસર ખાલી થયેલી હોઇ પેટા ચૂંટણી યોજાઇ રહી છે.

ગાંધીનગરની પેથાપુર નગરપાલિકાના વોર્ડ ૪ની ૧, પોરબંદરની રાણાવાવ પાલિકાની ૧, મોરબી નગરપાલિકાના વોર્ડ ૧,૨,૩ અને ૬ની કુલ ૭,ગીર સોમનાથની ઊના પાલિકાની તથા તલાલા પાલિકાની એક-એક તેમજ જૂનાગઢની કેશોદ પાલિકાની ૧ એમ કુલ ૧૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. આ વિસ્તારોમાં નિયમ મુજબ જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે. ચૂંટણીનું જાહેરનામું ચોથી સપ્ટેમ્બરે બહાર પડશે, જેમાં ઉમેદવારીપત્રો સ્વીકારવાની છેલ્લી તારીખ ૧૦મી સપ્ટેમ્બર રહેશે અને ૨૫મીએ મતદાન પછી ૨૭મી સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે, તેમ રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું છે.

Previous articleસાત રહેણાંક વસાહતમાં ગુડા દ્વારા CCTV કેમેરા મૂકાશે
Next articleન્યુ ગાંધીનગર વિસ્તારમાં મેલેરિયાએ માથું ઉચક્યુ