સાત રહેણાંક વસાહતમાં ગુડા દ્વારા CCTV કેમેરા મૂકાશે

1283

શહેરી વિસ્તારમાં ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા બાંધવામાં આવેલી તમામ ૭ ફ્‌લેટ ટાઇપ રહેણાંક વસાહતોમાં સીસીટીવી કેમેરા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં રાયસણ, ચિલોડા, અડાલજ અને કુડાસણની વસાહતોનો સમાવેશ કરવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દાને ધ્યાને રાખીને આ વધારાની સુવિધા આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો લાભ અહીંના ૨,૦૦૦ પરિવારોને મળવાનો છે.

નજીકના દિવસોમાં આ સુવિધા માટે ખર્ચ અંદાજ તૈયાર કરવા સાથે ટેન્ડર પ્રક્રિયા પણ કરી દેવામાં આવશે. ખાનગી રહેણાંક સ્કીમમાં સીસીટીવી કેમેરા દ્વારા સિક્યુરિટી મોનીટરિંગ કરવાની સુવિધા મોટેભાગે આઉપવામાં આવી રહી છે અને સરકાર દ્વારા પણ જાહેર અને એવા ખાનગી સ્થળો જ્યાં લોકોની અવર જવર સતત રહેતી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાડવાનું કાયદાથી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

સુરક્ષાના અત્યંત મહત્વના મુદ્દે સીસીટીવી કેમેરા આવશ્યક બની ગયા છે. ત્યારે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે સરકારી રહેણાંક વસાહતના કિસ્સામાં ગાંધીનગરમાં આ દિશામાં પહેલ કરવાનો નિર્ણય લીધો છે. રાયસણ, ચિલોડા અને અડાલજમાં આવેલા એલઆઇજી પંડિત દિનદયાલનગર, અડાલજમાં એલઆઇજી ૨ અટલ આવાસ યોજના, કુડાસણમાં એમઆઇજી ૧ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનગર અને હવે બંધાઇ રહેલા એમઆઇજી ૨ તથા એલઆઇજી ૨ની આવાસ યોજનાનો તેમાં સમાવેશ કરાયો છે.

Previous articleધોની હિમાચલ પ્રદેશનો રાષ્ટ્રીય મહેમાન બનતા વિવાદ
Next article૬ નગરપાલિકાની ૧૨ બેઠકો માટે ૨૫મી સપ્ટેમ્બરે મતદાન