ગાંધીનગર ટાઉન હોલ ખાતે અભયમ મહિલા સંમેલન યોજાયું

1323

અભયમ્‌ મહિલા સંમેલનનું ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ચેરમેન ઇશ્વરભાઇ ભાવસાર તથા ગુજરાત રાજય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ વિમલભાઇ ઉપાધ્યાયે દીપ પ્રગટાવી ઉદૂધાટન કર્યું હતું.

ગાંધીનગર જિલ્લામાંથી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભયમ્‌ હેલ્પ લાઇન એપનું પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપી તમામ મહિલાઓને ૧૮૧ હેલ્પલાઇન ડાઉન લોડ કરવા જણાવ્યું હતું. ચેરમેન ઇશ્વરભાઇ ભાવસારે જણાવ્યું હતું કે, સ્ત્રીઓ શક્તિ, વિઘા અને ધનનું પ્રતિક છે. મહિલાઓના સશક્તિકરણ માટે મહિલાલક્ષી રાજય સરકારની યોજનાઓનો લાભ લઇ મહિલા ઓ સન્માનભેર, સ્વાવલંબી પગભર અને ગૌરવપૂર્ણ જીવનની અધિકારી બને.

રાજયભરમાંથી ૪.૨૧ લાખથી વધુ મહિલાઓએ સુરક્ષા માટે ૧૮૧ અભયમ્‌ એપનો ઉપયોગ કર્યો છે. મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બચાવવા કુલ ૪૫ રેસ્ક્યુવાન રાજયમાં કાર્યરત છે.

ઉપાધ્યક્ષ વિમલભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનો ફાળો અતિ મહત્વનો રહ્યો છે. સમતોલ વિકાસ સાધવા માટે મહિલા ઉત્થાનનો મહિમા કરવો અનિવાર્ય છે. મહિલાઓની સુરક્ષા માટે ટેકનોલોજીના ઉપયોગથી ૧૮૧ અભયમ્‌ હેલ્પલાઇન દ્વારા રાજય સરકારે આગવી પહેલ કરી ગુજરાત સજ્જ બન્યું છે.

આ પ્રસંગે મહાનુભાવો તથા ધારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા કલેકટર એસ.કે.લાંગા, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયાની ઉપસ્થિતિમાં ગાંધીનગર જિલ્લામાં ૧૮૧ અભયમ્‌ હેલ્પલાઇન દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર ભાવિકાબેન ભગોરા, સુરેખાબેન મકવાણા, અડાલજ પી.આઇ. શેફાલી ગુલાલ, કુંજલબેન, પ્રતિભાબેન તથા નીરાબેનનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 

Previous articleમનપાની વિવિધ શાખાના કામની પદ્ધતિમાં સ્થાયી સમિતિ સુધારા સુચવશે
Next articleમહારાણી હીરજીબાએ પુત્રની સ્મૃતિમાં બનાવેલુ જુવાનેશ્વર મહાદેવ મંદિર