સેકટર – ર૪ માં આજે પણ દબાણો હટાવાયા : દબાણકારોમાં દોડધામ

1932

ગાંધીનગરમાં માર્જીનની જગ્યામાં તાણી બાંધેલા પાકા દબાણ તથા દુકાનોના શેડ હટાવીને વાહન પાર્ક કરવા માટેની જગ્યા ખુલ્લી કરવા માટે મહાપાલિકા દ્વારા વિવાદો સાથે ડિમોલીશન મોટા પાયે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે સોમવારે જ્યાં સૌથી વધારે ગેરકાયદે બાંધકામ થયા છે, તેવા સેક્ટર ૨૪માં મહાપાલિકાની બાંધકામ શાખા અને દબાણ શાખા પોલીસની ટીમને સાથે રાખીને ત્રાટકી હતી. સવારથી સાંજ સુધી જેસીબી મશીન અને ઘણના ઘા મારીને તોડફોડની કામગીરી ચાલુ રખાયા પછી ૧૫ દુકાનોના નામ નિશાન મીટાવી દેવાયા હતા. ૭ જેટલા મુળ હાઉસિંગ બોર્ડના મકાનમાં ઉપરોક્ત દુકાનો બાંધી દેવામાં આવી હતી.

સેક્ટર-૨૪માં કોર્પોરેશન દ્વારા ટોરેન્ટ પાવરની ટીમ ઉપરાંત ગુજરાત ગેસ કંપનીની ટીમને પણ સાથે રાખવામાં આવી હતી. આથી જ્યાં જ્યાં દબાણો તોડવાનું શરૂ કરાતું હતું ત્યાં ત્યાં જરૂર પડે તે રીતે વીજ જોડાણો પણ કાપવા પડયા હતા. તેવી જ રીતે ગેસના જોડાણો પણ બંધ કરવાની જરૂર ઉભી થઈ હતી. મ્યુનિ તંત્રએ પોલીસનો પણ બંદોબસ્ત માંગતા બે પીસીઆર વાન સ્થળ પર તૈનાત રહી હતી.

બાંધકામ શાખાના જુનિયર ટાઉન પ્લાનર શ્રીદેવી પટેલ અને ઇન્ચાર્જ દબાણ અધિકારી મહેશ મોડની આગેવાની સોમવારે સેક્ટર ૨૪ના મુખ્ય માર્ગ પર જેસીબી ચલાવવામાં આવ્યુ હતુ. ગત શુક્રવારે મહાપાલિકાના અધિકારીઓ દ્વારા અહીં રૂબરૂ આવીને સ્વેચ્છાએ દબાણ હટાવી દેવા માટે વેપારીઓને સમજ આપવામાં આવી હતી અને કેટલાક વેપારીઓ દ્વારા શુક્રવારથી જ માર્જીનની જગ્યામાં બાંધી દીધેલા શેડ જેવા અને ઓટલાના દબાણ જાતે ખસેડવાનું શરૂ કરાયુ હતુ. પરંતુ આ વિસ્તારમાં તો રહેણાંકના મકાન અને તેમાં દુકાનના વ્યાપક પ્રમાણમાં ગેરકાયદે બાંધકામ થયેલા છે. તેમાં સતત વધારો થઇ રહ્યો છે.

પાટનગરમાં આ પહેલા સેક્ટર ૨૧, સેક્ટર ૧૧, સેક્ટર ૬ સહિતના વાણિજ્ય વિસ્તારમાં દબાણ ખસેડવાની કામગીરી કરવામાં આવી છે. આખરે જ્યાં વિસ્તારનું નામ જ દબાણનગર કહી શકાય તેવા સેક્ટર ૨૪ના વિસ્તારમાં તોડફોડ શરૂ કરવામાં આવી છે.

Previous articleકલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા મેગા જોબ ફેરનું આયોજન
Next articleમનપાની વિવિધ શાખાના કામની પદ્ધતિમાં સ્થાયી સમિતિ સુધારા સુચવશે