સંયુક્ત રાષ્ટ્ર(યુએન)ના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આજે ભારતનાં સત્યા ત્રિપાઠીને સહાયક મહાસચિવ અને ન્યૂ યોર્ક કચેરીમાં યુએન પર્યાવરણ(યુએનઇપી)ના પ્રમુખ પદ પર નિયુક્ત કર્યા છે. તેઓ એક અર્થશાસ્ત્રી અને વકિલ છે. યુએનઇપીમાં વિકાસ માટે ૨૦૩૦ એજન્ડાના વરિષ્ઠ સલાહકાર રહી ચુક્યા છે. યુએન મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજાર્રિકે જણાવ્યું કે, અર્થશાસ્ત્રી અને ૩૫ વર્ષોનાં અનુભવી વકિલ ત્રિપાઠી ૧૯૯૮થી આફ્રિકા, એશિયા અને યુરોપ માટે કાર્ય કરી રહ્યા છે.
તેમણે અહિંયા માનવઅધિકાર, લોકશાહી વહીવટ, કાયદાકીય અને વ્યૂહાત્મક બાબતો પર કામ કર્યું છે .
આ સિવાય ત્રિપાઠીએ ઇન્ડોનેશિયા સાથે મળીને વિકાસશીલ દેશોમાં થઇ રહેલા જંગલોની કાપણીથી થનારા ઉત્સર્જન પર કામ કરવા માટે યુએન ઓફિસમાં નિયામક અને કાર્યકારી પ્રમુખ તરીકે કાર્ય કર્યું છે. આ સિવાય એકહ અને નિયાસમાં સુનામી અને સંઘર્ષ બાદ જીવનને ફરીથી પાટા પર લાવવા માટે યુએન રિકવરી કોઓર્ડિનેટર તરીકે પર પણ કામ કર્યું છે.
ભારતની બેહરામપુર યુનિવર્સિટીમાંથી ત્રિપાઠીએ કોમર્સમાં ઓનર્સ, બેચલર્સ અને માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર એ પર્યાવરણ પર કેન્દ્રિત વિશ્વ એકમની અગ્રણી એજન્સી છે.