પ્રખર ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારે મોદી સરકાર વિરુદ્ધ આગામી બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના દિવસથી આંદોલન શરૂ કરશે. અણ્ણા હઝારેએ ઘોષણા કરી છે કે તેમનું આંદોલન તેમના ગામ રાળેગણ સિદ્ધિથી શરૂ થશે. તેમણે પોતાના સમર્થકોને કહ્યું હતું કે જે લોકો આ આંદોલનમાં જોડાવા માગતા હોય તેઓ રાળેગણ સિદ્ધિ ન આવે પરંતુ પોતાના ગામ, જિલ્લા, તહસીલના મુખ્યાલય પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરે.
અણ્ણાનું મોદી સરકાર વિરુદ્ધ આ આંદોલન સ્વામિનાથન આયોગની ભલામણો લાગુ કરવા, ખેડૂતોને તેમના ઉત્પાદનથી દોઢ ગણા બજારભાવ આપવા, વરિષ્ઠ ખેડૂતોને પેન્શન આપવા અને કેન્દ્રમાં લોકપાલ પર અને રાજ્યમાં લોકાયુક્ત નિયુક્ત કરવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારા લાવવાની માગ સાથે શરૂ થવા જઇ રહ્યું છે.
અણ્ણાએ કહ્યું હતું કે આ માગો અંગે તેઓ અનેક વખત વડા પ્રધાનને પત્ર લખી ચૂક્યા છે પણ તેમની માગોને લઇને મોદી સરકારનો રવૈયો સકારાત્મક નથી દેખાઇ રહ્યો, એટલે તેઓ સરકાર વિરુદ્ધ આંદોલન શરૂ કરવા જઇ રહ્યા છે.
અણ્ણા હઝારેએ મોદી સરકારને પત્ર લખીને જણાવ્યું હતું કે આ પહેલાં ૨૩મી માર્ચે રામલીલા મેદાનમાં તેઓ અનશન પર બેઠા હતા. એ સમયે સરકારે તેમને લેખિતમાં આશ્વાસન આપ્યું હતું પરંતુ આજ સુધી તેનું પાલન કરવામાં આવ્યું નથી. એવી જ રીતે ચૂંટણી સમયે જનતાને જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, તેને પણ પૂરા કરવામાં નથી આવ્યા. તેમણે કહ્યું હતું કે સરકારે કહ્યું હતું કે સત્તા પર આવતાં જ લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરવામાં આવશે. સ્વામિનાથન આયોગની ભલામણોને લાગુ કરીશું પણ સત્તા પર આવ્યા બાદ આજે ચારથી વધુ વર્ષ પૂરાં થઇ ગયાં છે પણ મોદી સરકાર પોતાના વાયદાઓ ભૂલી ગઇ છે.