ભાવનગર શહેર જિલ્લામાં ચિકનગુનિયા રોગનો અજગરી ભરડો

1249
bvn23102017-1.jpg

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ માસથી ચિકનગુનિયાના રોગને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ રોગમાં મોટા પ્રમાણમાં લોકો સપડાયા હોય જે લઈને પ્રજાજનોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ભાવનગર તેમજ આસપાસના વિસ્તારોને ડેન્ગ્યું અને સ્વાઈન ફલુથી થોડા ઘણા અંશે મુકિત મળી છે ત્યારે એક નવાજ રોગે માથુ ઉંચકતા લોકો નિંદર હરામ થઈ ગઈ છે. એક માસથી ભાવનગરના વિવિધ વિસ્તારોમાં ચિકનગુનિયા નામના રોગે ભારે ઉપદ્રવ મચાવ્યો છે. રોજ દિવસ ઉગેને નવા-નવા કેસો નોંધાઈ રહયા છે. આ રોગ મચ્છર કરડવાથી થતો હોય અને આ મચ્છર સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં લોકોને નિશાન બનાવતા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યુ છે. આ રોગના પ્રથમ લક્ષણમાં શરીરના તમામ અંગોમાં અસહય દુઃખાવા સાથે તોડ થવી, અને ઠંડી લાગવા સાથે તાવ આવે છે, આ રોગના લક્ષણ જાહેર થયા બાદ એકાદ સપ્તાહ સુધી ભારે અસર શરીર ઉપર વર્તાઈ છે જેમાં દર્દી પથારીમાંથી ઉભો પણ થઈ શકતો નથી. ખોરાક લેવાની તથા રોજ-બરોજની દિનચર્યા પુરી કરવામાં પણ અસમર્થ બની જાય છે. સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવે તો લાંબા સમય સુધી હાથ પગ સાથે સ્નાયુઓનો દુઃખાવો પીછો છોડતો નથી. ચિકનગુનિયાનો રોગ માત્રને માત્ર મચ્છર કરડવાથી થતો હોય, હાલ રોજ બરોજ વધી રહેલ દર્દીઓની સંખ્યાના આધારે એ વાત સ્પષ્ટ પણે ફલીત થાય છે કે, આ રોગચાળાને ડામવા માટે તંત્ર અસમર્થ જાહેર થયું છે. કારણ કે, આરોગ્ય તંત્ર દ્વારા લોક જાગૃતિ તથા નિયમિત સાફ સફાઈનો સંદતર અભાવના કારણે માંખી મચ્છરનો ઉપદ્રવ અસહય થયો છે. પરિણામે ચિકનગુનિયા જેવા રોગો સરળતાથી પ્રસરી રહયા છે. ભાવનગર સર.ટી.હોસ્પિટલ પાસેથી જાણવા મળતી વીગતો અનુસાર માત્ર એક સપ્તાહમાં ચિકનગુનિયાના ૩૪પ દર્દીઓની સંખ્યા નોંધાવા પામી છે. કેટલાંક ગંભીર કિસ્સાઓમાં દર્દીઓને ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં એડમીટ પણ કરવામાં આવ્યા છે. આ રોગ અંગે તબીબો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, માનવ વસાહતોમાં કોઈ પણ પ્રકારના મચ્છરો ઉત્પન્ન ન થાય તેવા પગલા ભરવા સાથે પુર્ણ શરીર ઢંકાઈ તેવા વસ્ત્રો પહેરવા, વાસી થતા તળેલો તથા ફાસ્ટ ફુડ જેવા ખોરાકનો ત્યાગ કરવો જોઈએ. સાદુ ભોજન લેવુ જોઈએ, તેમજ શારીરિક અસ્વસ્થતા જણાયે નજીકના હોસ્પિટલનો સંપર્ક કરી તબીબી સારવાર અવશ્ય લેવી જોઈએ. પુરતી તકેદારી એજ રોગથી બચવા માટેનું સરળ અને ઉત્તમ ઉપાય છે.

Previous articleહાર્દિક પટેલ તા.રપમીથી ભાવનગર જિલ્લાના પ્રવાસે
Next articleવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી સહિત ભાજપ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું