ભાવનગર મહાનગર પાલિકા કોંગ્રેસ પાર્ટીના નેતાની વરણીનો પ્રશ્ન રાજકિય સ્તરે હવે પરાકાષ્ટાએ પહોંચ્યો છે, આ એકના એક પ્રશ્નની કોંગી નગરસેવકોમાં ઠીક-ઠીક ચર્ચાઓ જગાડી મુકી છે.
હાલમાં મહાનગર સેવા સદનમાં કોંગ્રેસના ૧૮ નગરસેવકો છે તેમાં એક મહિલાને બાદ કરતા ૧૭ નગરસેવકો છે, આ ૧૭માંથી મોટા ભાગના સેવકો નેતા બનવાની દોડમાં છે. સેવકો નેતા બનવા છેક પ્રદેશકક્ષા સુધી રજુઆતો કરી છુટયા છે, બે દિવસ પહેલા પ્રદેશ કોંગ્રેસ દ્વારા સભ્યો નિરીક્ષક તરીકે ભાવનગર આવી ૧૭ કોંગી નગરસેવકોને સાંભળી પરત ગયા છે, હવે નિર્ણય પ્રદેશકક્ષા એથી જાહેર થશે.
નેતા બનવા માટે જયદિપસિંહ ગોહિલે ઈન્કાર કર્યો છે પરંતુ પાર્ટી તેમની અઢી વર્ષની વિપક્ષના નેતા તરીકેની જાગૃતિ પૂર્વકની કામગીરીની નોંધ લે તો કદાચ તેઓ ફરી અઢી વર્ષ માટે નિયુકત પામે તેવા સંકેતો પણ મળે છે. જયારે બીજી બાજુ કોંગીના નગરસેવકોનું એવુ કહેવાનું થાય છે કે, ૧૭માંથી કોઈ નવાજ નગરસેવકને નેતા બનાવો આ વાત સાથે એમ પણ કેવાય રહ્યુ છે કે, જેઓ અગાઉ નેતા બની ગયા છે તેવાને ફરી નેતા ન બનાવવાની પણ માંગ થઈ છે. આમ નેતાનો આખો પ્રશ્ન હવે પ્રદેશ કક્ષાએ પેચીદો બની રહ્યો છે એટલે જુના નેતા ને શરૂ રખાય તેવો પણ નિર્દેશ થયો છે. નેતા બનવાની લાઈનમાં ભરતભાઈ બુધેલીયા, રહિમભાઈ કુરેશી, ઈકબાલ આરબ, પારૂલબેન ત્રિવેદી, હિમત મેણીયા જીતુ સોલંકી, કાંતીભાઈ ગોહિલ અને ઘનશ્યામભાઈ ચુડાસમાનો સમાવેશ થાય છે.
ઈકબાલ આરબનો એવો દાવો છે કે તેઓ સીનીયર કોંગ્રેસમેન છે જયારે રહિમભાઈ કુરેશી કોર્પોરેશનનો બહોળો અનુભવ ધરાવે છે, એટલે બોર્ડમાં વિપક્ષની ભૂમિકા સારી રીતે ભજવી શકે, તો બીજી બાજુ દલિતમાંથી જીતુ સોલંકી અને અરવિંદ પરમાર પણ નેતા પદના હોદ્દા માટે દાવેદારીમાં છે. આ ઉપરાંતના સક્ષમ મહિલા નગરસેવિકા તરીકે પારૂલબેન ત્રિવેદી પણ આ હોદ્દા માટે માંગણી કરી છે. આવી સ્થિતીમાં હવે પ્રદેશ કોંગ્રેસ કોના શીરે નેતાની તરીકેની જવાબદારી સોંપે તે માટે તરેહ-તરેહની ચર્ચાઓ કોંગી વર્તુળમાં ચાલે છે.
તો બીજી બાજુ પ્રદેશ કક્ષાએથી આવેલા નિરીક્ષકોએ કેટલાંક નગરસેવકોને એવી પણ પુછપરછ કરી હતી કે, શહેર પ્રમુખ માટે તમે શું ઈચ્છો છો, આ વાત પણ કોર્પોરેટર વર્તુળમાંથી બહાર આવી છે. એટલે હવે શહેર પ્રમુખ પદ વરણીનો પ્રશ્ન બેવડાયો છે. તો બીજી તરફ અઢી વર્ષના સમય દરમ્યાન નેતા પદે રહેલા જયદિપસિંહ ગોહિલે શાસકો સામે સિંહ ગર્જનાઓ કરી પાર્ટીનો બુલંદ અવાજ શાસકો પર ઠીક-ઠીક અસરો ઉભી થયાની લોક ચર્ચા પણ રાજકિય રીતે છવાયો રહી છે.