ભાવનગર મહાપાલિકા દ્વારા આજે સતત બીજા દિવસે શહેરની મધ્યમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં ગઈકાલે ખાલી કરાવેલા બે ગોડાઉન જેવી જગ્યા આજે તોડી પડાતા વેપારીઓએ વિરોધ કર્યો હતો અને થોડીવાર માટે ધરણા ઉપર બેસીને બંધ પાળ્યો હતો.
બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં બનાવી દેવાયેલ ગેરકાયદે દુકાનો ભાડે આપીને તેમાંથી મેન્ટેનન્સ કરવામાં આવતું હતું પરંતુ મહાપાલિકાના ધ્યાને આવતા ગઈકાલે પાર્કિંગમાં બનાવાયેલી ગેરકાયદે પાંચ દુકાનો તોડી પડાયેલ અને બે ખાલી કરાવેલ જેને આજે તોડી પાડવામાં આવી હતી.
દબાણ હટાવના વિરોધમાં બિઝનેસ સેન્ટરના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત દબાણ વિભાગે આજે ૩ર જેટલા દબાણો દુર કર્યા છે. આવા દબાણ તળેની ૬ હજાર રપ૦ ફુટ જમીન ખુલી કરાવી છે. જયારે જાહેર રસ્તા પરના લારી-ગલ્લા કે કેબીનો પણ ખસેડી નાખવામાં આવેલ છે જેમાં ર૪ દબાણો દુર કર્યા છે અને બાર હજાર ફુટ કરતા વધુ જમીનો ખુલી કરાવી દેવાયું જાણવા મળે છે.
ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવા નડતરરૂપ વર્ષો જુના દબાણો દુર કરવા કોર્પોરેશને હવે આકરી ઝુબેંશ કરતા દબાણો મુદ્દે સેવા સદનમાં લોકો ફરીયાદો કરવા આવે છે કોઈ પદાધિકારીઓ કે સેવકો આવા દબાણોની ફરીયાદો અંગેની રજુઆત કરવા કમિશ્નર સમક્ષ ન જતા લોકોમાં સેવકોની કામગીરી સામે પણ રોષ જોવા મળે છે.