ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કોંગ્રેસના જયરામ રમેશે ગુજરાત સરકારના સાહસ જીએસપીસી અંગે કરેલા આક્ષેપો અને નિવેદનોને બિનપાયેદાર તથા હકિકત જોયા જાણ્યા વિના કરેલા આક્ષેપો ગણાવ્યા છે. સૌરભભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગુજરાતના સર્વાંગી વિકાસની નવી ઊંચાઇઓ અને જીએસપીસીની સિધ્ધિઓને વિપક્ષ કોંગ્રેસના જે લોકો સાંખી શકતા નથી તેવા લોકો જ નીર-ક્ષીર વિવેક કે વિચાર કર્યા વિના જીએસપીસીની વિવિધ ગતિવિધિઓનો વિરોધ કરવા નીકળ્યા છે. જયરામ રમેશ આ વિરોધ દ્વારા પોતાનું અધકચરું જ્ઞાન પ્રદર્શિત કરી રહ્યા છે તેમ જણાવતા ઊર્જા મંત્રીએ કહ્યું કે હાઇડ્રો કાર્બન એકસપ્લોરેશનના બિઝનેસની મૂળભૂત બાબતોનું જ્ઞાન જ જયરામ રમેશને નથી એમ તેમના પાયાવિહોણા આક્ષેપો પૂરવાર કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત હાઇડ્રો કાર્બન ક્ષેત્રે આત્મનિર્ભર બને તે પણ આવા તત્વો ઇચ્છતા નથી એટલે જ જીએસપીસી સામે કોઇ જ તથ્ય વિનાના આક્ષેપો કર્યા કરે છે. ઊર્જા મંત્રીએ કોંગ્રેસના આ આક્ષેપો સામે સત્ય શું છે તે દેશ અને ગુજરાતની જનતા જનાર્દન જાણે તે માટે સાચી હકિકતો આપવી જરૂરી બની છે તેમ ઉમેર્યુ છે. તેમણે કહ્યું કે સરકારની દૂરદર્શિતાને કારણે સમગ્ર દેશમાં ગુજરાત જ એક માત્ર એવું રાજ્ય છે .
જેણે નેચરલ ગેસ બેઇઝ ઇકોનોમી વિકસાવી છે. એટલું જ નહિ, ગુજરાતમાં કુશળ નેતૃત્વ અને દૂરંદેશિતાને પગલે જીએસપીસી ગૃપે સુદ્રઢ આંતરમાળખાકીય સુવિધાઓ ગેસગ્રીડ વિકસાવીને લાખો ઘરોમાં પાઇપલાઇનથી નેચરલ ગેસ અને ઊદ્યોગકારોને સીએનજી ગેસ અવિરત પહોચાડવાની સિધ્ધિ હાંસલ કરી છે. જીએસપીસી દેશની ગેસના વિતરણ-વેચાણ ટ્રેડીંગ એકટીવીટી કરનારી બીજા ક્રમની મોટી કંપની છે. તદઉપરાંત જીએસપીસીની સબસીડીયરી કંપનીઓ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લીમીટેડ પણ સમગ્ર દેશમાં ગેસ પરિવહન ક્ષેત્રે બીજો નંબર ધરાવતી કંપની છે. જીએસપીસીની જ અન્ય એક સબસીડીયરી ગુજરાત ગેસ લીમીટેડ તો ભારતમાં ગેસ વિતરણ ક્ષેત્રની સૌથી મોટી કંપની બની ગઇ છે તેમ ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું. ગુજરાત જ દેશનું એક માત્ર રાજ્ય છે જ્યાં ૧પ લાખ જેટલા ઘરોમાં પીએનજી ગેસ નેટવર્ક ધરાવે છે. દેશના બીજા કોઇ પણ રાજ્યએ આ સિમાચિન્હ રૂપ કામ કર્યુ છે ખરૂં ?તેવો સવાલ તેમણે જયરામ રમેશને કર્યો છે. સૌરભભાઇ પટેલે જીએસપીસીની આ સિધ્ધિઓ વિષે જોયા-જાણ્યા વિના આધાર-તથ્યો વિહિન આક્ષેપો-ટિકાઓ કરીને જયરામ રમેશ અને વિપક્ષ પોતાનું અજ્ઞાન છતું કરે છે તેમ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે.
ઊર્જા મંત્રીએ કહ્યું કે જયરામ રમેશે જે આક્ષેપો જીએસપીસી સામે કર્યા છે તેના અગાઉ પણ સત્ય ઊજાગર કરતા જવાબો આપ્યા છે. છતાં ફરી એકવાર તેમના આક્ષેપો સામે નીર-ક્ષીર સત્ય પ્રચાર માધ્યમો અને જનતા જનાર્દન સમક્ષ મૂકવા જરૂરી બન્યા છે. ઊર્જા મંત્રીએ કહ્યું કે આક્ષેપોના સંદર્ભમાં જ્યાં સુધી સીએનજી અહેવાલને લાગે વળગે છે ત્યાં સુધી સીએનજી એ તેના કોઇ અહેવાલમાં આ પ્રકારના કોઇ કૌભાંડનો ઉલ્લેખ કર્યો જ નથી. જીએસપીસી એ હંમેશા એક જવાબદાર વ્યવસાયિક કંપની તરીકે જ પોતાના કારોબાર કર્યા છે અને સીએનજી એ કયારેય પણ ઇરાદાપૂર્વકની ગેરરીતિ કે અનિયમીતતાઓ જીએસપીસીના બિઝનેસ-વ્યવહારોમાં થઇ છે એવું કહ્યું નથી કે નથી એવી કોઇ ટિકા-ટિપ્પણી કરી.