ઉપવાસના ચોથા દિવસે હાર્દિકની તબિયત લથડી

1139

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૪થા દિવસે સાંજે તેની તબિયત લથડતાં તેનું મેડિકલ ચેકઅપ કરનાર ટીમે તેને દાખલ કરવાની સલાહ આપી હતી. સાથે સાથે હાર્દિકને લીકવીડ અને જયુશ લેવાની સલાહ પણ આપી છે. યુરિન ઇન્ફેકશન હોવાનું સામે આવ્યું હતું. ડોકટરોએ એવી પણ ચેતવણી આપી હતી કે, જો આવી પરિસ્થિતિમાં હાર્દિક ફળ કે જયુશ નહી લે તો, તેની કિડનીને અસર થઇ શકે છે. તો, ચાર દિવસમાં હાર્દિકનું એક કિલો,૨૦૦ ગ્રામ જેટલું વજન ઘટયુ હતું. દરમ્યાન આજે હાર્દિકના ઉપવાસ આંદોલનના ૪થા દિવસે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલ, રાજસ્થાનના ગુર્જર આંદોલનના નેતા હિંમતસિંહ ગુર્જર સહિતના અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઇ તેના ખબરઅંતર પૂછયા હતા અને તેના આંદોલનને ખુલ્લુ સમર્થન જાહેર કર્યું હતું. આ પ્રસંગે એનસીપીના નેતા પ્રફુલ પટેલે ભાજપ સરકારને આડા હાથે લીધી હતી અને આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, પાલીસ અને સરકારની દમનકારી નીતિ છે. ગુનેગારોની જેમ લોકો સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ગોળી ભાજપ સરકારના કાન પાસેથી નીકળી ગઈ છતાં હજુ સમજી નથી. હાર્દિક પટેલની માંગણી મુદ્દે સરકારે વાતચીત કરવી જોઈએ. સરકારનું આ પ્રકારનું વલણ યોગ્ય નથી.. હાર્દિકના ઉપવાસ આંદોલન અને તેની લડતને અમારું સમર્થન છે. તો રાજસ્થાનના ગુર્જર આંદોલનના હર્તાકર્તા હિંમતસિંહ ગુર્જર પણ હાર્દિકના સમર્થનમાં પહોંચ્યા હતા. તો, ૨૦થી વધુ વાહનોમાં આવેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકોને પોલીસ દ્વારા હાર્દિકના નિવાસે જવા દેવામાં ન આવ્યા હતા. હાર્દિકના ઉપવાસના સમર્થનમાં આજે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણાના ખેડૂતો તેમજ ત્યાંના અલગ-અલગ સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. તો, ગુજરાતમાંથી આજે હિંમતનગર, વડાલી, ઇડર, તલોદ અને પ્રાંતિજના પાટીદારો તેના ઉપવાસના સમર્થનમાં પહોંચ્યા હતા. સોલા સિવિલ હોસ્પિટલના ડોક્ટર પી કે સોલંકીએ હાર્દિકનું રૂટિન ચેકઅપ કર્યુ હતું. જેમાં હાર્દિકનું રેન્ડમ બ્લડ સુગર ૯૯ આવ્યું હતું. તેને ૭૮ પલ્સ ,૧૨૦-૮૪ બ્લડ પ્રેસર છે, જ્યારે વજન – ૭૪.૬ કિગ્રા છે. યુરિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેમાં યુરિન ઇન્ફેકશનની સ્થિતિ સામે આવી હતી. સાંજે હાર્દિકની તબિયત થોડી લથડતાં   ડોકટરોએ તેને દાખલ કરવાની સલાહ આપી હતી અને જો દાખલ ના થાય તો ફળ, લીકવીડ અને જયુશ લેવાની સલાહ આપી હતી. દરમ્યાન આજે પૂર્વ પ્રધાનમંત્રી એચ.ડી. દેવેગૌડા પણ હાર્દિકના સમર્થનમાં આવ્યા હતા. તેમણે હાર્દિકની માંગને વ્યાજબી ઠેરવીને તેને સમર્થન આપવા માટે આજે બેંગ્લુરુમાં પત્રકાર પરિષદ યોજી હતી.ઉલ્લેખનીય છે કે, હાર્દિકના ઉપવાસ આંદોલનને કોંગ્રેસના ૨૮ ધારાસભ્યોએ ખુલ્લુ સમર્થન જાહેર કરી આ મામલે રાજયપાલને પણ ઉગ્ર રજૂઆત કરી હતી.

Previous articleઅનામતને લઇને કોંગ્રેસની નિયત સાફ નથી : વાઘાણી
Next articleબારદાન કૌભાંડનું પગેરું બાંગ્લાદેશમાં નીકળે તેવી આશંકાઃ પરેશ ધાનાણી