બારદાન કૌભાંડનું પગેરું બાંગ્લાદેશમાં નીકળે તેવી આશંકાઃ પરેશ ધાનાણી

1376

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારના કૌભાંડો વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, રૂ. ૪૦૦૦ કરોડની મગફળી ખરીદીમાં થયેલ ગેરરીતિની ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજના નેતૃત્વ હેઠળ વિધાનસભાની સર્વપક્ષીય સંયુકત સમિતિ દ્વારા ન્યાયિક તપાસ માટે કોંગ્રેસપક્ષે તમામ સ્તરે પત્ર લખીને વિનંતીસહ માગણી કરી હોવા છતાં રાજ્ય સરકારે કોંગ્રેસ પક્ષની આ માગણીનો સ્વીકાર કરી નથી અને માત્ર ચાર ગોડાઉનોમાં આગ લાગી તેના કારણોની તપાસ માટે જ તપાસ પંચ નીમવામાં આવ્યું છે. જો કોંગ્રેસ પક્ષની માગણી સ્વીકારવામાં નહીં આવે તો ૭૨ કલાકના ઉપવાસ આંદોલન પુનઃ શરૂ કરવામાં આવશે.

હજુ તો મગફળી કૌભાંડની તપાસ થઈ નથી અને મગફળી ભરવાના બારદાનનું કૌભાંડ સામે આવ્યું છે.

મગફળી ભરવાના બારદાન બાંગ્લાદેશથી વાયા કોલકત્તા થઈ ગુજરાતમાં આવ્યા હોવાનું જણાવતાં વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, ખરીદ્યાને અને આગ લગાવેલ બારદાનના ભાવમાં રૂા. ૨૬ના ભાવફેરમાં જ રૂા. ૫૦ કરોડ જેટલી રકમનું કૌભાંડ થયું છે. મગફળી ભરવા માટે કુલ કેટલા બારદાન કોની પાસેથી, ક્યારે, શા ભાવે ખરીદવામાં આવ્યા હતા અને આ ખરીદીના ધારા ધોરણો શા હતા ? ખરીદાયેલ બારદાન પૈકી કેટલા બારદાન ઉપયોગમાં લેવાયા ? કેટલા બારદાન ખાલી પડતર રહયા, ખાલી કે પડતર રહેલ બારદાનનો સંગ્રહ કરવાની જવાબદારી કોની હતી ? તે પૈકી કેટલા બારદાન સળગી ગયા ? સળગી ગયેલ બારદાનની કિંમત કેટલી થતી હતી ? આ તમામ બાબતની તપાસની માગણી કોંગ્રેસ પક્ષ કરે છે.

Previous articleઉપવાસના ચોથા દિવસે હાર્દિકની તબિયત લથડી
Next articleગુજરાત કેડરના આઇપીએસ રાયે રાજીનામું આપતાં ચર્ચા