રાજ્ય પાક વીમા ફંડની રચના કરવામાં આવશે : ચીમનભાઇ સાપરીયા  

783
gandhi24102017-4.jpg

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે. રાજ્ય સરકારે વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લઇને પ્રધાન મંત્રી ફસલ બિમા યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ‘રાજ્ય પાક વીમા ફંડ’ની રચના અંગે મંજૂરી આપી છે.
આ અંગે વધુ વિગતો આપતા કૃષિ મંત્રી ચીમનભાઇ સાપરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં પ્રધાન મંત્રી ફસલ બિમા યોજના અંતર્ગત રાજ્ય પાક વીમા ફંડ’ની રચના અંગે મંજૂરી આપી છે. આ રાજ્ય પાક વીમા ફંડ’ એ પ્રધાન મંત્રી ફસલ બિમા યોજનાની અમલીકરણ એજન્સી તરીકે રાજ્યમાં કાર્યરત રહેશે.રાજ્ય પાક વીમા ફંડ’ની સ્થાપના થવાથી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોના પ્રીમિયમનો હિસ્સો, રાજ્ય પાક વીમા પ્રીમિયમ સહાય અને કેન્દ્રની પાક વીમા પ્રીમિયમ સહાયની રકમ પાક વીમા ફંડમાં જમા થશે અને રાજ્યના ખેડૂતોને ભવિષ્યમાં કુદરતી આપત્તિના કારણે ઊભા થનાર દાવાઓની ઝડપથી ચુકવણી કરવામાં સહાયરૂપ બની શકશે. 
રાજ્ય પાક વીમા ફંડ’ની રચના થયેથી પ્રધાન મંત્રી ફસલ બિમા યોજના અન્વયે થનાર કુલ પ્રીમિયમ વીમા કંપનીઓને આપવાના બદલે તે ફંડમાં જમા થશે. વધુમાં ખેતીમાં સારા વર્ષોમાં મળનાર ફંડ રીઝર્વ તરીકે એકત્રિત થશે જેનો ઉપયોગ ખેતીમાં કુદરતી આપત્તિઓના જોખમો ઘટાડવા માટેની અત્યાધુનિક કૃષિ ટેકનોલોજીના પ્રસાર માટે ઉપયોગ કરી શકાશે.

Previous articleમુખ્યમંત્રીના હસ્તે ૧૦૮ ઇમરજન્સી સેવાની મોબાઇલ એપનું લોન્ચીગ
Next article ઈન્દ્રોડા પાર્ક પાસેથી દારૂ ભરેલી ગાડી પકડાઈ