જમ્મૂ-કાશ્મીરના નવનિયુક્ત રાજ્યપાલ સતપાલ મલિકે પોતાની નિમણૂંકને લઈને ખુલાસો કર્યો હતો. ખુલાસો કરતા મલિકે કહ્યું છે કે, ૨૧ ઓગષ્ટના રોજ તેમની નવી નિયુક્તિની જાહેરાતથી માત્ર બે કલાક પહેલા જ તેમને આ બાબતેની સૂચના આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ફોન કરીને બે કલાક પહેલા જ જણાવ્યું હતું.
મલિકના જણાવ્યા પ્રમાણે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમે જમ્મુ-કાશ્મીર જાવ અને ત્યાં કામગીરી બજાવો. તમાને સારા સલાહકાર અને પ્રશાસક મળશે. માટે હું અહીં આવી ગયો.
સતપાલ મલિકે કહ્યું હતું કે, તે સાંજે જ તેમના નામની જાહેરાત કરવામાં આવી કારણ કે એનએન વોહરા પહેલેથી જ દિલ્હી આવી ગયાં હતાં અને એક પણ દિવસનો ગેપ રાખી શકાય તેમ નહોતો.
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે ચર્ચા કર્યા બાદ મલિકે સંકેત આપ્યાં હતાં કે ટુંક સમયમાં જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં કરશે. તેમણે કહ્યું હતું કે, હું એક એવી સિસ્ટમ લાવવા માંગુ છું જેમાં ન તો જાતિવાદ હોય કે ન તો પક્ષપાત અને ન તો ભલામણો ચાલે. હું લોકોમાં વિશ્વાસ પેદા કરવા માંગુ છું. હું ઈચ્છું છું કે, લોકો એ મહેસુસ કરે કે, જમ્મૂ-કાશ્મીર સરકાર તેમના દ્વારે આવી શકે છે. જમ્મૂ-કાશ્મીર સરકાર દરેક સમયે તેમની સાથે છે.