આ વખતે કેદારનાથમાં તીર્થયાત્રીઓની સંખ્યાનાં તમામ જૂના રેકોર્ડ તૂટી શકે છે. કેદારનાથમાં અત્યાર સુધી લગભગ સાડા છ લાખ તીર્થયાત્રીઓ પહોંચી ચૂક્યાં છે. આવનારા દિવસમાં તીર્થયાત્રીઓની સંખ્યા વધવાનું અનુમાન છે. આ વર્ષે કપાટ બંદી સુધી કેદારનાથમાં ૧૦ લાખ તીર્થયાત્રીઓ પહોંચવાનો રેકોર્ડ બની શકે છે. એટલું જ નહીં આ ઉપરાંત ઓકટોબર મહિનાનાં અંતમાં કેદારનાથનાં કપાટ બંધ થતાં પહેલાં એક વાર ફરી વડાપ્રધાન પણ અહીં આવી શકે છે.
કેદારનાથ મંદિર સમિતિનાં અધિકારીઓનાં જણાવ્યાં અનુસાર અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધુ તીર્થયાત્રીઓ ર૦૧રમાં કેદારનાથ પહોંચ્યાં હતાં. તે વર્ષે તીર્થયાત્રીઓની સંખ્યા પ.૮૩ લાખની નજીક હતી. ર૦૧૩નાં જૂન મહિનામાં આવેલી આફત બાદ અહીં જે રીતે તબાહી મચી ત્યાર બાદ તીર્થયાત્રીઓએ અહીં આવવાનું ટાળ્યું હતું.
આ આફત બાદ ર૦૧૪માં માત્ર ૪૦,૦૦૦ યાત્રીઓ જ કેદારનાથ પહોંચ્યાં હતાં. સરકારનાં પ્રયાસોથી અહીંની ગાડી પાટા પર આવી અને તીર્થયાત્રીઓની સંખ્યા પણ વધી. આ યાત્રાને લઇને આ વર્ષે ઘણી નવી યોજનાઓ અમલમાં મુકાઇ. વડાપ્રધાને ખુદ તેનું મોનિટરિંગ ડ્રોન અને અન્ય આધુનિક ટેકનિકથી કર્યું.