આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ ઉત્સવો, વ્રતો અને સંસ્કારો સાથે ખાસ સંબંધ છે. વેદોમાં પણ આનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન આર્ય પ્રજા પણ વ્રતો અને ઉપાસના કરતા હતા અને દરેક પશુપક્ષીને પણ પૂજતા હતા. આથી સુખી હતા અને આને કારણે જ આપણી સંસ્કૃતિ વ્રત પૂજા પુરી દુનિયામાં શ્રેષ્ઠ છે ભગવાન પરમપિતા મહાદેવજી પણ પશુને પણ આદર આપતા આથી જ પશુપતિનાથ કહેવાતા મહાદેવનું આભુષણ પણ નાગ છે.
ભગવાને ગીતામાં કહેલું નાગોમાં હું વાસુકિ નાગ છું. આ વાસુકી નાગે સમુદ્ર મંથન વખતે સાધનરૂપી પ્રભુ કાર્યમાં લોકહિત કાર્યમાં મદદરૂપ બની અને સમુદ્રમાંથી અમૃત મેળવવામાં ભગવાનને અને દેવોને વાસુકીનાગ મદદરૂપ બનેલ. ભગવાન વિષ્ણુએ પણ શેષશયન સમુદ્રમાં કરેલ છે.
નાગપૂજન
નાગપાંચમના દિવસે સવારે નિત્ય કર્મ કરી ઘરના પાણીયારે અથવા મંદિરે દીવો કરી બાજરાની કુલેર, નાળીયેર, તલવટ ક્ષરી સાથે આગલા દિવસે પલાળેલા મગ, મઠ, કઠોળનું નૈવેધ ધરાવું અને એકટાણુ કરવું. પૂજન કરતી વખતે નવકુળ નાગ દેવતાના નવ નામ બોલવા અનન્ત, વાસુકી, શેષ, પદ્મનાભ, કમ્ભ, શંખપાલ, ધાર્તરાષ્ટ્ર, તક્ષક, કલિય. અને સાંજે નાગપંચમીની વાર્તા બોલવી.
નાગપાંચમના દિવસે જે કોઈ લોકોને જન્મકુંડળીમાં નાગદોષ, કાલસર્પયોગ દોષ તથા પિતૃદોષ હોય તો નાગપંચમી રહેવાથી અને પૂજન કરવાથી રાહત મળે છે. જે લોકોને ઉંઘમાં ભયાનક સપના આવતા હોય તો તે દુર કરવા માટે નાગપંચમીનું વ્રત કરવાથી રાહત મળે છે. જન્મકુંડળીમાં રાહુ નબળો હોય અથવા રાહુ દોષ હોય તો આ દિવસે વ્રત કરવું અને મહાદેવજીને કાળા તલ ચડાવવા.
– શાસ્ત્રી રાજદિપ જોશી