જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ અને અલગાવવાદીઓના વિદેશી ફંડિંગની તપાસ કરી રહેલી રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ ગુરુવારે સવારે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનના ચીફ સૈયદ સલાહુદ્દીનના બીજા પુત્ર સૈયદ શકીલ એહમદને શ્રીનગરના રામબાગ વિસ્તારમાં સ્થિત તેના ઘરેથી ધરપકડ કરી છે. શકીલ એહમદ સલાહુદ્દીનનો બીજો પુત્ર છે જેની આ મામલે ધરપકડ થઈ છે.
આ અગાઉ તપાસ એજન્સીએ ગત વર્ષ સલાહુદ્દીનના પહેલા પુત્ર સાયદ શાહિદની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી. તે હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. ગુરુવારે પકડાયેલો સલાહુદ્દીનનો બીજો પુત્ર સૈયદ શકીલ એહમદ SKIMS હોસ્પિટલમાં છેલ્લા 30 વર્ષથી લેબ ટેક્નિશિયલન તરીકે કાર્યરત છે.
કહેવાય છે કે તપાસ એજન્સીએ 2011ના ટેરર ફંડિંગ કેસમાં સૈયદ શકીલ એહમદની ઓછામાં ઓછા 3વાર પૂછપરછ માટે બોલાવ્યો હતો. પરંતુ તે તપાસ એજન્સી સામે હાજર થયો નહતો. તપાસ એજન્સીએ તેને અનેક તકો આપી પરંતુ તેણે હંમશા નકારો કર્યો. તેને એ પણ પૂછવામાં આવ્યું હતું કે તે પોતાના બેંક એકાઉન્ટમાં થયેલા વિદેશી ફંડિંગ અંગે વિસ્તૃત જાણકારી આપે.
અત્રે જણાવવાનું કે ગત વર્ષે તપાસ દરમિયાન કાશ્મીરમાં સક્રિય આતંકવાદી અને અલગાવવાદી જૂથોને મળી રહેલી નાણાકીય મદદની પાકિસ્તાનથી ઈમેઈલ દ્વારા મોકલવામાં આવી રહેલી વિગતો એનઆઈએના હાથે લાગી હતી. પકડાયેલા ઈમેઈલ સંદેશાઓથી સ્પષ્ટ થયું હતું કે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા હવાલા દ્વારા આતંકવાદી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનને નાણાકીય મદદ મળી રહી છે. તેનાથી માલુમ પડ્યું હતું કે હવાલાથી કાશ્મીરમાં મોકલવામાં આવતી નાણાકીય મદદ ક્યાં અને કેવી રીતે ખર્ચ કરવાની છે તેનો સંપૂર્ણ હિસાબ રાખવામાં આવે છે.