ઉત્તર બંગાળનું શહેર જલપાઈગુડી તે સમયે જશ્નમાં ડૂબી ગયું જ્યારે એક રિક્ષાચાલકની પુત્રી સ્વપ્ના બર્મને એશિયન ગેમ્સમાં સોનાનો મેડલ પોતાના ગળામાં નાખ્યો. સ્વપ્નાએ ઈન્ડોનેશિયાના જકાર્તામાં ચાલી રહેલા 18માં એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોન ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી તે ભારતની પહેલી મહિલા ખેલાડી છે. પુત્રીની સફળતાથી માતા બાશોના એટલી ભાવુક થઈ ગઈ હતી કે તેના મોઢામાંથી શબ્દો પણ નીકળતા નહતાં. પુત્રી માટે તે આખો દિવસ ભગવાનને પ્રાર્થના કરતી રહેતી હતી. સ્વપ્નાની માતાએ પોતાના કાળી માતાના મંદિરમાં બંધ કરી દીધી હતી. આ માતા પુત્રીને ઈતિહાસ રચતા જોઈ શકી નહતી કારણ કે તે પુત્રીની સફળતા માટે પ્રાર્થના કરવામાં વ્યસ્ત હતી.
પુત્રીને પદક મળ્યા બાદ બશોનાએ કહ્યું કે મેં તેનું પ્રદર્શન જોયુ નથી. હું દિવસમાં બે વાગ્યાથી પ્રાર્થના કરી રહી હતી. આ મંદિર તેણે બનાવ્યું છે. હું કાળી માતાને ખુબ માનું છું. મને જ્યારે તેની જીતના ખબર મળ્યા ત્યારે હું આંસુ રોકી શકી નહીં.
એશિયન ગેમ્સમાં હેપ્ટાથલોનમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનારી સ્વપ્ના બર્મને પોતાના અસાધારણ પગ માટે અનુકૂલિત જૂતા ઉપલ્બધ કરાવવાની માગણી કરી છે. બર્મનના પગમાં છ આંગળીઓ છે. આ 21 વર્ષની એથલેટે પોતાની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા બે દિવસ ચાલેલી સાત ઈવેન્ટમાં 6026 અંક મેળવ્યાં. દાંતમાં દુ:ખાવાના કારણે તેણે પોતાના ડાબા ગાલ પર પટ્ટી બાંધી રાખી હતી. બર્મનથી અગાઉ બંગાળની સોમા બિસ્વાસ અને કર્ણાટકની જેજે શોભા અને પ્રમિલા અયપ્પા જ એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં મેડલ જીતી શકી હતી.