ભાજપનો ફોર્મ્યુલા નીતિશકુમાર સ્વીકારશે?

815

2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહારમાં સીટોની વહેંચણીને લઈને સત્તારૂઢ એનડીએમાં ઘમાસાણ અને નીતિશકુમારની જેડીયુના દાવપેચ વચ્ચે પહેલીવાર ભાજપે પોતાની રહસ્યમય ચૂપ્પી તોડી છે. સૂત્રોના હવાલે સમાચાર આવી રહ્યાં છે કે ભાજપે ત્યાં 40 બેઠકોને લઈને 20-20નો ફોર્મ્યુલા અપનાવવાનો ફેસલો કર્યો છે. જે મુજબ 20 સીટો પર ભાજપ લડશે અને બાકીની 20 બેઠકો જેડીયુ માટે છોડશે. સૂત્રોના જણાવ્યાં મુજબ જેડીયુના કોટામાંથી જ પાંચ સીટો રામવિલાસ પાસવાનની લોજપા, બે સીટો ઉપેન્દ્રસિંહ કુશવાહાની રાલોસપા અને વધેલી એક સીટ પર રાલોસપાના સસ્પેન્ડેડ સાંસદ અરુણકુમારને મેદાનમાં ઉતારવામાં આવશે.

જેની જેટલી ભાગીદારી, તેટલી તેની હિસ્સેદારી
ભાજપનો હકીકતમાં આ ફોર્મ્યુલા 2014ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને બનાવાયો છે. જે મુજબ જેની જેટલી ભાગીદારી, તેની તેટલી હિસ્સેદારીનો ફોર્મ્યુલા ભાજપ અપનાવવા પર ભાર મૂકી રહ્યો છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં નીતિશકુમાર, ભાજપ સાથે નહતાં. ભાજપ સાથે લોજપા, અને રાલોસપા હતાં. જેમાં ભાજપે 22 બેઠકો, લોજપાએ 6 બેઠકો, રાલોસપાએ 3 બેઠકો જીતી હતી. જે મળીને એનડીએને કુલ 31 બેઠકો મળી હતી. નીતિશકુમારની જેડીયુ પોતાના દમ પર ચૂંટણીમાં લડી હતી અને તેને માત્ર બે જ બેઠકો મળી હતી.

દાવપેંચ
હવે અસલ મુશ્કેલી અહીંથી જ શરૂ થાય છે. કારણ કે જેડીયુ પહેલેથી એવું એલાન કરી ચૂકી છે કે બિહારમાં એનડીએના નેતા નીતિશકુમાર છે. આથી બિહારમાં બે પક્ષોના ગઠબંધનમાં જેડીયુ વિધાનસભા બેઠકો અને નીતિશકુમારની છબીના કારણે મોટાભાઈની ભૂમિકામાં છે. આ જ આધાર પર 3 જૂનના રોજ જેડીયુ પ્રવક્તા અજય આલોકે એલાન કરતા કહ્યું હતું કે બિહારમાં તેમની પાર્ટી સૌથી મોટી પાર્ટી છે. આથી જેડીયુ 25 બેઠકો પરથી ચૂંટણી લડશે. અને ભાજપ 15 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. જેડીયુએ 2014માં ચૂંટણીના અંકગણિતને આ આધાર ઉપર પણ ફગાવ્યો હતો કારણ કે જેડીયુ તેમાં સામેલ નહતી.

જેડીયુ આ સંબંધમાં 2009ના ચૂંટણી ફોર્મ્યુલાને અપનાવવા પર ભાર મૂકી રહી છે કારણ કે તે વખતે બંને પક્ષો સાથે હતાં. હવે જો ભાજપનો આ ફોર્મ્યુલા નક્કી થઈ જાય છે તો આ પરિસ્થિતિઓમાં ભાજપથી ઓછી બેઠકો પર ચૂંટણીના મેદાનમાં ઉતરવાથી જેડીયુની મોટા ભાઈની ઈમેજને નુકસાન પહોંચશે. નીતિશકુમારની છબીને નુકસાન પહોંચી શકે છે. આવામાં સવાલ ઉઠે છે કે 25 બેઠકો પરથી ચૂંટણી લડનારી જેડીયુ શું 12 બેઠકો પર સંતોષ માનશે?

સહયોગીઓનું સંકટ
બીજી વાત એ છે કે ભાજપના આ ફોર્મ્યુલામાં કોઈ નુકસાન નથી. એટલા માટે કારણ કે ગત વખતે જીતી ગયેલી 22માંથી બે બેઠકોને ત્યાગ કરવા પર તેને કોઈ આપત્તિ નથી. હકીકતમાં તેમાંથી એક બેઠક પટણાસાહિબથી શત્રુઘ્ન સિન્હા જીત્યા હતાં અને બીજી સીટ ભાગલપુરથી કીર્તિ આઝાદ જીત્યા હતાં. હાલ આ બંને નેતા ભાજપમાં નારાજ છે. આથી ભાજપ હાલ આ સીટો માટે પોતાની દાવેદારી છોડી શકે છે. કારણ કે લગભગ એવું નક્કી ગણવામાં આવી રહ્યું છે કે તે અહીંથી આ નેતાઓને ટિકિટ આપશે નહીં.

જો કે બાકીના સહયોગીઓને ગ વખતે જીતી ગયેલી બેઠકો આપવાની વાત ચાલી રહી છે પરંતુ આ સર્વવિદિત છે કે રાલોસપા નેતા ઉપેન્દ્ર કુશવાહા, ભાજપની નીતિશકુમાર સાથેની મિત્રતાથી સહજ નથી. તેમને વધુ સીટો પર ચૂંટણી લડવાની તક મળવાની સ્થિતિમાં આરજેડીના નેતૃત્વવાળા ગઠબંધનમાં જવાની પણ અટકળો થઈ રહી છે.

Previous articleરિક્ષાચાલકની પુત્રીએ દેશને અપાવ્યું ગોલ્ડ
Next article2013 પછી રૂપિયોમાં સૌથી મોટો ઘટાડો