ભાવનગર જિલ્લાના ગારિયાધારથી પરવડી રોડ પર કાર અને થ્રી વ્હીલ ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાતા ટેમ્પામાં સવાર યુવતીને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બેને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગારિયાધાર ખાતે રહેતા ઉસ્માનભાઈ ઉર્ફે કાળુભાઈ ગીગાણી પોતાનો થ્રી વ્હીલ ટેમ્પો લઈ પરવડી રોડ પર જતા હતા તેવેળાએ સામેથી આવી રહેલ ફોરવ્હીલ નં.જી.જે.પ.જે.એફ. ૭૩૯૩ના ચાલકે ટેમ્પા સાથે ધડાકાભેર અકસ્માત કરતા ટેમ્પો રોડ પર ઉથલી પડ્યો હતો. ટેમ્પામાં સવાર ઉસ્માનભાઈના બહેન રીઝવાનબેન ઉ.વ.ર૦ને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે ઉસ્માનભાઈ અને અન્ય એક મહિલાને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.