હાલના સમયમાં મુંબઇની આર્થર રોડ જેલમાં બેરેક નંબર ૧૨ના સ્વરૂપને બદલી નાંખવા માટેનુ કામ ચાલી રહ્યુ છે. બેરેકની ફર્શ અને ટાઇલ્સ બદલી દેવામાં આવી છે. દિવારોને વ્યવસ્થિત કરવામાં આવી રહી છે. બાથરૂમને નવેસરથી તૈયાર કરવામાં આવ્યાના સમાચાર મળ્યા છે. આ તમામ કામ એટલા માટે ચાલી રહ્યુ છે કે ફરાર કારોબારી વિજય માલ્યાએ બ્રિટન સમક્ષ પોતાના પ્રત્યાર્પણ મામલે દેશની જેલોમાં રહેલી ખરાબ સ્થિતીનો ઉલ્લેખ કર્યો છે.
એમ માનવામાં આવે છે કે વિજય માલ્યાને જો ભારત લાવવામાં આવશે તો આર્થર રોડ જેલની અંદર નવેસરથી તૈયાર કરવામાં આવી રહેલા બેરેકમાં રાખવામાં આવશે.ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણને લઇને વાતચીત અંતિમ તબક્કામાં છે. સીબીઆઇને જેલમાં બની રહેલી સારી સેલના વિડિયો પણ તૈયાર કરી લીધા છે. પ્રત્યાર્પણની પ્રક્રિયામાં મદદરૂપ થવા માટે આ વિડિયો કોર્ટમાં સોંપવામાં આવનાર છે. આ ટોપ સિક્રેટ વિડિયો વિદેશ મંત્રાલયને સોંપી દેવામાં આવનાર છે. પીડબલ્યુડીના કોન્ટ્રાક્ટને લેનાર પ્રમેશ કન્સ્ટ્રકશને બેરેકમાં નવેસરથી નિર્માણ કામગીરી હાથ ધરી છે. વાતચીતમાં કોન્ટ્રાક્ટરે કહ્યુ છે કે નવેસરથી કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યુ છે કે બેરેક નંબર ૧૨માં કામ કરવામાં આવી રહ્યુ છે. આ બેરેકને મુંબઇ હુમલાના દોષિત કસાબને રાખવા માટે તૈયાર કરવામાં આવી હતી. તેમણે કહ્યુ હતુ કે આ સંબંધમાં તેમને વધારે માહિતી મ આપવા માટે કહેવામાં આવ્યુ છે. તેમના કર્મચારીઓ ત્યાં કામ કરી રહ્યા છે. સેલમાં બેરેક નંબર ૧૨ તરફ દોરી જતા રસ્તાને પાકો બનાવી દેવામાં આવ્યો છે. કાળી દીવાળોને પેઇન્ટ કરાઇ છે. આર્થર રોડ જેલના પીડબલ્યુડી સેક્શનના એન્જિનિયર ઇન્ચાર્જ શૈલેષ પોલે કહ્યું હતું કે, તેઓએ માત્ર સાફસફાઈની પ્રક્રિયા હાથ ધરી છે.
સાથે સાથે તેઓએ વધુ માહિતી માટે વર્લી વિસ્તારના કારોબારી એન્જિનિયરના સંપર્કમાં રહેવા માટે કહ્યું હતું. વધુ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો. વર્લી ડિવિઝનના કારોબારી એન્જિનિયરને પુછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે, તેમને શેલના નવીનીકરણના સંદર્ભમાં કોઇ માહિતી મળી શકી નથી. આ એક વહીવટીકામ છે. પોતાના જોબ હેઠળ આર્થર રોડ જેલમાં તેઓ ઘણા બધા કામ કરે છે. સ્પેશિયલ આઈજી સાઉથ મુંબઈ રાજ્યવર્ધન સિંહાએ કહ્યું છે કે, આ કામ જેલોના સ્ટાન્ડર્ડને સુધારવા માટે નક્કી કરવામાં આવેલું છે.
પીડબલ્યુડીને આ સંદર્ભમાં પુછી શકાય છે. તમામ બેરેકમાં તપાસ ચાલી રહી છે. જ્યાં છત પડી ગઈ છે ત્યાં વ્યવસ્થિત કરવામાં આવી રહ્યું છે. સમારકામની કામગીરી ચાલી રહી છે.
થાણે જેલામાં ૧૨૦ ટોયલેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. બેરેક નંબર ૧૨ને લઇને ચર્ચા કેમ થઇ રહી છે તેને લઇને તેઓ કોઇ વાત કરવા માંગતા નથી. કોઇ ખાસ ઉદ્દેશ્યથી કોઇ કામગીરી ચાલી રહી નથી. બીજી બાજુ તમામ લોકો જાણે છે કે, બેરેક નંબર ૧૨માં કામ કરવામાં આવ્યું છે. મુંબઈ હુમલાના અપરાધી અજમલ કસાબને આજ બેરેકમાં રાખવામાં આવ્યો હતો. મોડેથી તેને ફાંસી અપાઈ હતી.