અમદાવાદઃ યુવાનોમાં ગોલ્ફની રમતને પ્રોત્સાહિત કરવા માટે તથા નવોદિત ખેલાડીઓ ગોલ્ફની બારીકીઓ સમજી શકે તે માટે ખેલાડીઓને ગોલ્ફ શિખવતી તથા ગોલ્ફની પ્રેકટીસની તક આપતી શહેરની એક માત્ર સંસ્થા કેન્સવિલે ગોલ્ફ એકેડમી દ્વારા તાજેતરમાં ગોલ્ફ ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને વિદ્યાર્થીઓમાં અદભૂત પ્રતિભાવ સાંપડી રહ્યો છે. આ ક્લિનિકમાં તાલિમ લેનારને ગોલ્ફની બારીકીઓ અંગે માહિતગાર કરીને તેમને ટેકનિક, ગ્રીપ પોશ્ચર, ગોલ્ફના સાધનો, સ્કોરીંગ, તથા ગોલ્ફની રમત અંગે આવશ્યક બાબતોથી માહિતગાર કરવામાં આવશે. જેથી શરૂઆત કરનારા ખેલાડીઓ ગોલ્ફની રમતમાં પ્રભુત્વ મેળવી શકે.
આ રમત અંગે જાણકારી આપવાની સાથે સાથે ગોલ્ફ ક્લિનિક શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ક્લિનિક વડે એક વર્ષમાં ૧૫૦૦ વ્યક્તિઓ (પુખ્ત વયના તેમજ બાળકો)ને આ રમતથી પરિચિત કરવાનો છે. વધુમાં આ રમતને માત્ર આરામના સમયની પ્રવૃત્તિ કે મનોરંજક પ્રવૃત્તિ તરીકે જ નહી પણ કેલેરીમાં ઘટાડો કરનાર, હાર્ટ રેટ સુધારનાર તથા વિઝનમાં સુધારો કરનાર તેમજ સ્ટ્રેસનુ સ્તર ઘટાડી સારી ઉંઘ લાવનાર ફીટનેસ પ્રવૃત્તિ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવશે.