ફ્રાન્સની ટેનિસ ખેલાડીએ યુએસ ઓપનમાં કોર્ટ પર જ ટીશર્ટ ઉતારી નાખ્યું, મચી ગયો હોબાળો

1603

ન્યૂયોર્કઃ ફ્રેન્ચ ટેનિસ ખેલાડી એલાઈઝ કોર્નેટ દ્વારા ગરમીને કારણે યુએસ ઓપનની પ્રથમ મેચ દરમિયાન ટેનિસ કોર્ટ પર જ પોતાનું શર્ટ બદલવાની ઘટના પર નવો વિવાદ પેદા થઈ ગયો છે. યુએસ ટેનિસ એસોસિએશન (યુએસટીએ)નું માનવું છે કે, ચેર અમ્પાયર દ્વારા ફ્રાન્સની ખેલાડીને ચેતવણી આપવી ખોટી બાબત છે.

હકીકતમાં, યુએસ ઓપન દરમિયાન હાલમાં પડી રહેલી અસહ્ય ગરમીને કરાણે દસ મિનિટ સુધી કોર્ટમાંથી બહાર જવાની મંજુરી આપવામાં આવી રહી છે. આવા જ એક બ્રેક દરમિયાન કોર્નેટે પરસેવાથી રેબઝેબ થયેલું પોતાનું ટીશર્ટ બદલ્યું હતું. પછી તે રમત શરૂ થતાં પહેલાં ઝડપથી ટીશર્ટ બદલીને કોર્ટ પર પહોંચી ગઈ હતી.

જોકે, તેણે ઉતાવળમાં ટીશર્ટ ઊંધું પહેરી લીધું હતું. કોર્નેટને આ બાબતનું ધ્યાન ન હતું, પરંતુ તેના મિત્રએ તેનું આ તરફ ધ્યાન દોર્યું. આવી સ્થિતીમાં કોર્નેટે બેઝલાઈનની પાછળ ઊભા રહીને જ પોતાનું ટીશર્ટ ઉતાર્યું, તેને સીધું કર્યું અને ફરી પાછું ઝડપથી પહેરી લીધું.

ચેર અમ્પાયર ક્રિસ્ટિયન રસ્કે ત્યાર બાદ કોર્નેટને ચેતવણી આપી હતી. ફ્રાન્સની આ ખેલાડી આ મેચમાં સ્વિડનની યોહાના લાર્સેન સામે ૪-૬, ૬-૩ અને ૬-૨થી હારી ગઈ હતી. કોર્નેટે ત્યાર બાદ જણાવ્યું કે, મેં ઝડપથી ટીશર્ટ બદલ્યું અને તેમણે મને આચારસંહિતાના ઉલ્લંઘનની ચેતવણી આપી ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયું હતું. મે તેમને જણાવ્યું કે, આ ઘણું વિચિત્ર કહેવાય. યુએસટીએ પણ કોર્નેટ સાથે સહમત છે.

Previous articleએશિયા કપ બાદ ભારત વે.ઈન્ડિઝ સામે બે ટેસ્ટ,પાંચ વન-ડે,ત્રણ ટી-૨૦ રમશે
Next articleશિક્ષકોના પ્રશ્નો નહીં ઉકલે તો બે હજારથી વધુ શિક્ષકો મુંડન કરાવશે