સ્વાગત ઓન લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકોની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટીતંત્ર સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા નીતિનભાઇ પટેલે તેમના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવતા કહ્યું કે, અંતરિયાળ વિસ્તારમાં નાનામાં નાના માનવીને ઝડપથી ન્યાય મળે તે માટે વહીવટીતંત્ર સહાનુભૂતિપૂર્વક કાર્ય કરી નાગરિકોના પ્રશ્નોનો સરળતાથી ઉકેલ લાવે જેથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે.
લોકપ્રશ્નોના સચોટ ઉકેલ માટેનું અસરકારક માધ્યમ બનેલા ‘‘સ્વાગત’’ કાર્યક્રમને ખરા અર્થમાં પ્રજાનો કાર્યક્રમ ગણાવી નાયબ મુખ્યમંત્રી પટેલે વહીવટમાં પારદર્શકતા અને સંવેદનશીલતાથી કાર્ય કરીને લોકપ્રશ્નોનો સત્વરે ઉકેલ આવે તે માટે અધિકારી-કર્મચારીઓને અંગત રસ લઇ પ્રજાહિતના કામો કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે કહ્યું કે, સામાન્ય નાગરિકો ખોટી રીતે હેરાન ન થાય તે માટે સૌએ કાળજી રાખવી જોઇએ જેથી કરીને વહીવટીતંત્ર ઉપરનો ભરોસો વધુ મજબૂત બને.
પ્રત્યેક માસના ચોથા ગુરૂવારે યોજાતા આ રાજ્ય કક્ષાના ‘‘સ્વાગત’’ ઓનલાઇન કાર્યક્રમની શરૂઆત વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી. જેની અપ્રતિમ સફળતાને ધ્યાને લઇ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્વાગતની શરૂઆત કરાઇ છે.
આજે બનાસકાંઠા, દાહોદ, અમદાવાદના વિવિધ નાગરિકોના પ્રશ્નોનો નાયબ મુખ્યમંત્રીએ સ્થળ પર હકારાત્મક નિકાલ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમાર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.