આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ અમરેલી તાલુકાના જાળીયા ખાતે રૂ.૧.૨૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યુ હતુ. આરોગ્ય રાજયમંત્રી કિશોરભાઇ કાનાણીએ કહ્યું કે, આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તેવું સુદ્રઢ આયોજન રાજય સરકારે કર્યુ છે. રાજય સરકારે આરોગ્યલક્ષી સુવિધાઓમાં ઉમેરો કરી જનસેવાનો નિર્ધાર કર્યો છે. જનસુખાકારીને ધ્યાને રાખી રાજય સરકારે ગતિશીલ નિર્ણયો લીધા છે. આકસ્મિક મૃત્યુ સહાય, ઘૂંટણ સારવાર સહાય સહિત આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓની વિગતો તેમણે જણાવી હતી. રાજય સરકાર દ્વારા તબીબી શિક્ષણ માટે ઉભી કરવામાં આવેલી સુવિધાઓની માહિતી પણ તેમણે આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પટેલે પ્રાસંગિક ઉદ્દબોધન કરી અમરેલી જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓની વિગતો જણાવી હતી. શાબ્દિક સ્વાગત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રાગજીભાઇ હિરપરાએ કર્યુ હતુ. તેમણે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ સહિત આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતુ. કાર્યક્રમમાં અગ્રણી મયુરભાઇ હિરપરા, કમલેશભાઇ કાનાણી, કૌશિકભાઇ વેકરીયા, પૂર્વ સરપંચ કાંતિભાઇ ગોંડલીયા, સરપંચ શાંતિભાઇ પરમાર, જાળીયાના ગ્રામજનો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ. ચૌહાણ, દિશાબેન, સુરભિબેન પાથર સહિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.