પ્રકૃતિની ગોદમાં સ્વયંભુ બિરાજમાન ગીર મધ્યે તુલસીશ્યામ ધામ ખાતે બાળ કનૈયાને વધાવવા કૃષ્ણ જન્મોત્સવની તડામાર તૈયારીઓ લાખોની સંખ્યામાં પરંપરાગત માનવ મહેરામણ ઉમટી પડશે.
પ્રકૃતિની ગોદમાં અને સોળે કલાએ ખીલેલી લીલી વનરાજી વચ્ચે ભગવાન શ્યામસુંદર સ્વયંભુ પ્રગટ થયેલ. તુલસીશ્યામ ધામ ખાતે બાળ કનૈયાને વધાવવા ભવ્યાતિભવ્ય કૃષ્ણ જન્મોત્સવમાં પરંપરાગત લાખોની સંખ્યામાં શ્યામ ભક્તો દેશ-વિદેશથી માનવ મહેરામણ ઉમટી પડશે. જેની પૂર્વ તૈયારી માટે તુલસીશ્યામ ધામ મંદિરના મેઈન ટ્રસ્ટી માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા તેમજ ટ્રસ્ટીઓ ઉના ડો.વરૂ બાબરીયાવાડના કાઠી ક્ષત્રિય ભીમબાપુ બોરીચા, કાતર દરબાર દાદબાપુ વરૂ, હેમાળ દરબાર હસુભાઈ વરૂ, નાગેશ્રી દરબાર ગૌતમભાઈ વરૂ સહિત બાબરીયાવાડના તમામ કાઠી ક્ષત્રિયોની ઉપસ્થિતિ રહેશે. જેમાં તા.૩-૯ને ગોકુળ આઠમના દિવસે આખો દિવસ ધાર્મિક પ્રસંગો જેવા કે સવારથી જ આરતી પૂજા કૃષ્ણ ભક્તો દ્વારા ભજન, ધૂન, કિર્તન, રાસ સહિતની ગીર આખુ ગુંજી ઉઠશે અને રાત્રે બારના ટકોરે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી અવાજોની બાળ કાનાનો વધામણા કરાશે તો આવા અલૌકિક વિશ્વ પ્રસિધ્ધ સ્થાન તુલસીશ્યામ ધામે પધારવા મંદિરના ટ્રસ્ટી અને માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂ દ્વારા ધર્મપ્રેમી જનતાને કનૈયાના વધામણા કરવા અને ભજન અને મહાપ્રસાદના લાભ લેવા જણાવાયું છે.