રાજ્ય સરકાર સામે છેલ્લા છ દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલ પાસ કન્વીનર હાર્દિક પટેલને સમર્થન આપવા ભાવનગર શહેર-જિલ્લા પાસ કમિટી દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવા તંત્ર પાસે મંજુરી માંગી હતી પરંતુ તંત્રએ પરમીશન આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
લાંબા સમયથી રાજ્ય તથા કેન્દ્ર સરકાર માટે સિરદર્દ સમી સમસ્યા બનેલ પાટીદાર સમાજ દ્વારા અનામત અંગેની માંગને લઈને સરકાર તંત્ર મુંજવણ અનુભવી રહ્યું છે ત્યારે ફરી એકવાર આ આંદોલનને વેગવંતુ બનાવવા પાસ કન્વીનર હાર્દિક પટેલએ ઉપવાસ આંદોલનનું અમોધ શસ્ત્ર ઉગામ્યું છે અને છેલ્લા છ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. જેમાં આજથી જળનો પણ ત્યાગ કર્યો હોય રાજ્ય અને અન્ય રાજ્યમાંથી અનેક દિગ્ગજ નેતાઓએ ઉપવાસ આંદોલન છાવણીની મુલાકાત લઈ ટેકો જાહેર કર્યો છે ત્યારે ભાવનગર શહેર-જિલ્લા પાસ કમિટી દ્વારા આ લડતમાં સૂર પુરાવ્યો છે અને એક દિવસીય કાર્યક્રમની ઘોષણા પણ કરી હતી. જેમાં મોતીબાગ ટાઉનહોલથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા સાથે કચેરીના કમ્પાઉન્ડમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ આંદોલન સાથેના ત્રિવિધ કાર્યક્રમની જાહેરાત કરી હતી પરંતુ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા સહિતના તંત્રએ પાસ કમિટીને કોઈપણ કાર્યક્રમ યોજવા માટે મંજુરી આપી ન હતી અને શહેર-જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથોસાથ પાટીદાર વસ્તી ધરાવતા અને સંવેદનશીલ શહેરના અલગ-અલગ વિસ્તારો તથા ગામડાઓમાં સઘન પોલીસ પેટ્રોલીંગ તથા ખાસ ટીમને તૈનાત કરી દેવામાં આવી છે અને જો કોઈ હરકત-હલચલ થાય તો કાર્યકરોને તત્કાલ ઉઠાવી લેવાના આદેશો પણ કરવામાં આવ્યા છે.