નોટબંધી બાદ પ્રતિબંધિત કરન્સી પૈકી ૯૯.૩ ટકા હિસ્સો બેંકોમાં પરત આવી જવાને લઇને રિઝર્વ બેંકનો અહેવાલ આવ્યા બાદ ચારેબાજુ ટિકાટિપ્પણી થઇ રહી છે ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, નોટબંધીના હેતુ પરિપૂર્ણ થયા છે.
તેમણે ઉમેર્યું હતું કે, નોટબંધીનો એક મોટો ઉદ્દેશ્ય ભારતને ગેરકાયદે નાણાંકીય મામલામાંથી બહાર કાઢવાનો રહ્યો હતો. આનો ઉદ્દેશ્ય અર્થવ્યવસ્થાને ઔપચારિક બનાવવા અને કાળા નાણા ઉપર પ્રહાર કરવાનો રહ્યો હતો. જેટલીએ કહ્યું હતું કે જ્યારે કેશ બેંકમાં જમા થાય છે ત્યારે તેના માલિકીની ગુમનામી ખતમ થઇ જાય છે. જમા રોકડના માલિકોની ઓખળ થઇ ચુકી છે. આની તપાસ ચાલી રહી છે કે જમા કરવામાં આવેલી રકમ તેમની આવક મુજબ હતી કે નહીં. ૧૮ લાખ ડિપોઝિટરોની તપાસ ચાલી રહી છે. આમાથી ઘણા બધા લોકો પાસેથી ટેક્સ અને પેનલ્ટીની વસુલાત કરવામાં આવી રહી છે. બેંકમાં જમા રોકડનો મતલબ એ નથી કે, તમામ પૈસા વ્હાઇટ રહેલા છે. જેટલીએ ટેક્સ કલેક્શનમાં વધારાનો આંકડો આપતા કહ્યું છે કે, માર્ચ ૨૦૧૪માં ૩.૮ કરોડ ટેક્સ કલેક્શનનો આંકડો રહ્યો છે. ૨૦૧૭-૧૮માં આ આંકડો વધીને ૬.૮૬ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો.
છેલ્લા બે વર્ષમાં ઇન્કમટેક્સમાં ૧૯થી ૨૫ ટકાનો વધારો થયો છે. જે અભૂતપૂર્વ છે. નોટબંધી બાદ પહેલી જુલાઈ ૨૦૧૭ના દિવસે જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવી હતી. પહેલા વર્ષમાં જ નોંધણી કરવેરામાં ૭૨ ટકાનો વધારો થયો હતો. આ તમામ નોટબંધીના હકારાત્મક પાસાઓ છે. ઔપચારિક વ્યવસ્થા જેટલી રહેશે તેટલા પૈસા વધારે રહેશે. વધારે ટેક્સ રેવન્યુ, વધારે ખર્ચની બાબત મહત્વપૂર્ણ છે.