વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પડોશી દેશ નેપાળમાં પહોંચ્યા બાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં મોદીએ આતંકવાદના મુદ્દા પર પણ વિસ્તારપૂર્વક વાત કરી હતી. નેપાળમાં બે દિવસીય બે ઓફ બંગાળ સાથે સંબંધિત બિમ્સટેકની શિખર બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ સમિટમાં બોલતા મોદીએ આતંકવાદ, ડિજિટલ કનેક્ટીવીટી, સંસ્કૃતિ, કલા અને અન્ય મુદ્દા ઉપર વાત કરી હતી. આતંકવાદના મુદ્દા ઉપર કહ્યું હતું કે, આજે દુનિયાના કોઇ દેશ એવા નથી જે દેશે આતંકવાદ અને આતંકવાદના નેટવર્ક સાથે જોડાયેલા ટ્રાન્સનેશનલ અપરાધ અને માદક દ્રવ્યોની હેરાફેરી જેવી સમસ્યાનો સામનો કર્યો નથી. નશીલી ચીજવસ્તુઓ સાથે સંબંધિત વિષયો ઉપર તેઓ બિમ્સટેક ફ્રેમવર્કમાં કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યા છે.
કુદરતી હોનારતોનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, હિમાલય અને બંગાળના અખાત સાથે જોડાયેલા અમારા દેશ વારંવાર કુદરતી હોનારતનો સામનો કરે છે. આવી સ્થિતિમાં તમામ દેશોને બચાવ અને રાહત કામગીરીમાં એક સાથે ઉભા રહેવું પડશે. આના માટે તમામ દેશોના સહકારની જરૂર પડશે. તેમણે કહ્યું હતું કે, ૨૦૨૦માં ભારત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંમેલનનું આયોજન કરશે. આ સંમેલનમાં મોદીએ તમામ દેશોને પહોંચવા માટે આમંત્રણ આપ્યું હતું.
બિમ્સટેક મહિલા સાંસદો માટે ખાસ ફોરમની સ્થાપના કરવાની પણ વાત કરી હતી. સાત દેશોના આ ગ્રુપમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, નેપાળ અને શ્રીલંકા જેવા દેશો સામેલ છે.