જમ્મુ અને કાશ્મીરના નાગરિકોને વિશેષ દરજ્જો અને અને રાજ્યને સ્થાયી નિવાસી પરિભાષા આપનારી બંધારણની કલમ 35એ નામામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી ટળી છે. હવે આ સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરીના બીજા અઠવાડિયામાં થશે. સીજેઆઈ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી 3 જજોની પેનલે આ મામલે સુનાવણી ટાળી છે.
સુપ્રીમ કોર્ટમાં જમ્મુ અને કાશ્મીર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર થયા અને તેમણે કહ્યું કે રાજ્યમાં તમામ સુરક્ષા એજન્સીઓ હાલના સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી છે. આ બાજુ કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું કે રાજ્યમાં સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી આઠ ફેઝમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે. આવામાં કલમ 35એ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થાય તો રાજ્યમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની માગણીઓને મંજૂરી કરતા સુપ્રીમ કોર્ટ હાલ સુનાવણી ટાળી છે.
અત્રે જણાવવાનું કે સુપ્રીમમાં આજે થનારી આ સુનાવણીને ટાળવા માટે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી દાખલ આ અરજીમાં કહેવાયું છે કે રાજ્યમાં જલદી થનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ મામલે 31 ઓગસ્ટે સુનાવણી હાથ ન ધરીને તેને ટાળવામાં આવે. અત્રે જણાવવાનું કે આ સુનાવણીના વિરોધમાં અલગાવવાદીઓએ કાશ્મીર બંધનું પણ આહ્વાન કર્યુ છે. આ સાથે જ કાશ્મીરમાં આતંકીઓએ પોલીસકર્મીઓના 9 જેટલા કુટુંબીજનોનું પણ અપહરણ કર્યુ છે.
પેનલ કરશે વિચાર
ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે વિચાર કરશે કે કલમ 35એ બંધારણના મૂળભૂત માળખાનો ભંગતો નથી કરતી ને. તેમાં વિસ્તૃત સુનાવણીની જરૂર છે. સુનાવણી દરમિયાન જમ્મુ અને કાશ્મીર સરકારે મામલાની સુનાવણી ડિસેમ્બર સુધી ટાળવાની માગણી કરી હતી. જો કે આ માગણી પર સુપ્રીમ કોર્ટે કોઈ ધ્યાન આપ્યું નહતું. હકીકતમાં સુપ્રીમ કોર્ટે નક્કી કરવાનું છે કે આ મામલાને બંધારણીય પેનલ પાસે વિચાર માટે મોકલવામાં આવે કે નહીં.
કલમ 35એને પડકારવામાં આવી છે
કલમ 35એની બંધારણીય માન્યતાને અરજીઓ દ્વારા પડકારવામાં આવી છે. એનજીઓ વી ધ સિટિઝને મુખ્ય અરજી 2014માં દાખલ કરી હતી. આ અરજીમાં કહેવાયું હતું કે આ કલમના પગલે જમ્મુ અને કાશ્મીરની બહારના ભારતીય નાગરિકોને રાજ્યમાં સંપત્તિ ખરીદવાનો અધિકાર નથી. કોર્ટમાં દાખલ કરાયેલી અરજી પર અલગાવવાદીઓએ એક સૂરમાં કહ્યું કે જો કોર્ટ રાજ્યના લોકોના હિતો વિરુદ્ધ ચુકાદો આપે છો તો જનતા આંદોલન માટે તૈયાર થઈ જાય.
શું છે કલમ 35એ
આ કાયદો 14 મે 1954ના રોજ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ તરફથી લાગુ કરવામાં આવ્યો હતો. કલમ 35એ જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં સામેલ છે. જે મુજબ રાજ્યમાં રહેતા નાગરિકોને અનેક વિશેષાધિકાર આપવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્ય સરકાર પાસે પણ એ અધિકાર છે કે આઝાદી સમયના કોઈ શરણાર્થીને તે રાજ્યમાં સગવડો આપે કે નહીં. કલમ મુજબ રાજ્ય બહારના લોકોને ત્યાં જમીન ખરીદવાનો હક નથી, તેઓ ત્યાં કાયમી ધોરણે વસવાટ પણ કરી શકે નહીં.