જમ્મુ કાશ્મીરના ઉનાળુ પાટનગર શ્રીનગરમાં રહેતી ૩૦ વર્ષની ઇરમ હબીબ રાજ્યની પહેલી કોમર્શિયલ મહિલા પાયલટ બનવા જઈ રહી છે. તેને અમેરિકામાંથી ટ્રેનિંગ પૂરી કર્યાં બાદ દેશની બે મોટી એરલાયન્સ ઈન્ડિગો અને ગો એર તરફથી નોકરીની ઓફર મળી ગઈ છે. હાલ તે લાયસન્સ મેળવવા માટે દિલ્હીમાં ક્લાસ લઈ રહી છે. ઇરમે દેહરાદૂનથી ફોરેસ્ટ્રીમાં સ્નાતક અને બાદમાં શેર-એ-કાશ્મીર યૂનિવર્સિટીથી અનુસ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ઁૐડ્ઢનો અભ્યાસ અધવચ્ચે જ છોડીને તે અમેરિકાના મિયામી સ્થિત ફ્લાઈંગ સ્કૂલમાં વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લેવા જતી રહી હતી. કેનેડા અને અમેરિકામાં વિમાન ઉડાવવાનું તેને લાયસન્સ પણ મળ્યું, પરંતુ ઇરમ કહે છે કે તે ભારતમાં પાયલટ બનવા માગે છે તેથી તે ૨૦૧૬માં પરત ફરી છે. તેની પાસે ૨૬૦ કલાક સુધી ઉડ્ડયનનો અનુભવ પણ છે. ઇરમે બહેરીનમાં એરબસ-૩૨૦ ઉડાવવાની ટ્રેનિંગ પણ લીધી છે. ઇરમ જ્યારે ૧૨મા ધોરણમાં હતી ત્યારે તેને પહેલી વખત પોતાના માતા પિતા સમક્ષ પાયલટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તેઓ રાજી થયા ન હતા. તેમને મનાવવામાં જ લગભગ ૬ વર્ષ થયાં. આજે તેઓને દીકરી પર ગર્વ છે. ઇરમના પિતા હબીબુલ્લા જારગર સર્જિકલ ઈક્વિપમેન્ટની સપ્લાઈનું કામ કરે છે.