મહાપાલિકા સ્ટેન્ડીંગ કમિટિ બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યાના અધ્યક્ષ પદે પોણો કલાક મોડી મળી હતી આ બેઠકમાં અધ્યક્ષ પદેથી વહિવટીને લગતા આઠ અને એજન્ડા પરના ૧૮ એમ કુલ ર૬ ઠરાવો ચર્ચાને અંતે પાસ કરી દેવામાં આવ્યા હતાં.
આ ઠરાવોમાં ઝોનલ ઓફીસ માટે વોલ દિવાલ, આઈ.સી.ડી.એમ. બાળકો માટે રમકડા ખરીદવા, શૌચાલયો અંગે, કોમ્પ્યુટરો અંગે, સરદાર બાગ ખાતેના ઓડીયોટોરીયમ આર્ટ ગેલેરી, ટેમ્પલ બેલ વાહન અંગે સરદાર બાગ બગીચા અંગે ડ્રેનેજના ચાર પમ્પીંગો અંગે સરકારના નર્મદા ઉત્સવ ઉજવણી બીલ રૂા. ર,૪૩,૯૦૦ અંગે, ડીવાઈડર વધારાના ખર્ચ બાબત, પ્રધાનમંત્રી આવાસ યોજના આર્ટીટેક સર્વિસ અંગે સ્વીમીંગ પુલ પાસે પીવાના પાણી અંગે તથા અન્ય આઠેક ઠરાવો સર્વાનુમતે પાસ થયા હતાં. નગરસેવક હરેશ મકવાણાએ તંત્રને ભીડવવા કેટલાક પ્રશ્નો ઉભા કર્યા હતાં. જેના તંત્ર જવાબો દિધા હતાં. જેમાં હરેશ મકવાણાએ સીસીટીવી કેમેરાનું કામ કયાં સુધી પહોંચ્યું, ગાર્ડનમાં આખી રાત લાઈટ બળે છે અનેક વખત ફરિયાદો કરી છે છતાં ધ્યાન દેવાતુ નથી. તેમજ જે લોકો માટે નવા મકાનો બાંધવામાં આવ્યા છે જેમાં હાલ કેટલા લોકો રહેવા ગયા તેવા સવાલો પુછયા હતાં. જયારે ચેરમેન ધાંધલ્યાએ અધિકારીઓને દિવાળી પહેલા સફાઈની કામગીરી માટે કહેવામાં આવ્યું પરંતુ સફાઈ કામની ગંભીરતા લેવામાં આવી ન હતી. તેમ કહી અધિકારીઓને આડે હાથ લીધા હતાં. જયારે ભારતીબેન બારૈયાએ પીલગાર્ડનમાં વૃક્ષો કાપી નાખ્યા તેનું લાકડુ કયા ગયુ તેવા વેધક સવાલો પણ તંત્ર સમક્ષ રજુ કર્યા હતાં.