સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી

1729

ગુજરાતની જનતાને પાણીની સમસ્યાનો અંત આવી રહ્યો છે. એક સમયે ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમમાં પાણીની અછત સર્જાઇ હોવાની પરિસ્થિતિ હતી જેનાંથી વિપરિત હાલમાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં ધરખમ વધારો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતા ડેમમાં સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 58,526 ક્યુસેક પાણીની આવક થઇ છે. આ સાથે જ ડેમની સપાટી 122.06 મીટરને પાર પહોંચી ગઇ છે.

સરદાર સરોવર ડેમમાં દર કલાકે 3 સેન્ટીમીટર પાણીનો વધારો થઇ રહ્યો છે. હાલમાં ડેમમાં જે પ્રમાણે પાણીની આવક છે તે જોતા ગુજરાત સહિત અન્ય રાજ્યોને પણ પાણી આપવા આપણે સક્ષમ થઇ ગયા છીએ. ગુજરાતની મેઇન કેનાલમાં હાલમાં 9000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જ્યારે ડેમમાં હાલમાં 1610.80 MCM લાઇવ પાણીનો જથ્થો હાજર છે.

બે પાવર હાઉસ યુનિટ ચાલુ-
ડેમમાં પાણીની આવક વધવાની સાથે ઉર્જા ઉત્પન્ન કરતાં CHPH પાવર હાઉસનું જે એક યુનિટ છેલ્લા કેટલાંય સમયથી ચાલુ હતું તેની જગ્યાએ હવે બે CHPH યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે.

મહીસાગર- મહિસાગર સ્થિત કડાણા ડેમમાંથી રાત્રિ દરમિયાન પાણી છોડાયું હતું. ડેમમાંથી 10,000 ક્યુસેક પાણી પાવર હાઉસમાં છોડવામાં આવ્યું હતું. નડિયાદમાં ખેડૂતોની સિંચાઇની માંગણીને ધ્યાનમાં રાખીને પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ડેમની સપાટી 413.9 ફૂટે પહોંચી ગઇ છે. જયારે ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે હાલ ડેમમાં 10,300 ક્યુસેક પાણીની આવક થઇ છે.

17 સપ્ટેબર 2017ના રોજ ડેમની સપાટી હતી 129.30 મીટર-
સરદાર સરોવર નર્મદા યોજના ગુજરાત રાજ્યની જીવાદોરી છે. 17 સપ્ટેબર 2017ના રોજ સરદાર સરોવર નર્મદા ડેમનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ દિવસે નર્મદા ડેમની સપાટી 129.30 મીટરની હતી અને જે વધીને 9 ઓક્ટોબરે 131.05 મીટરની થઇ હતી. 6 મહિનામાં ડેમની સપાટી ઘટીને 105.64 મીટર પર પહોંચી છે. ડેમમાં સતત પાણીની સપાટી ઘટતા ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી પહોંચાડવા માટે ઇતિહાસમાં પ્રથમવાર IBPT(ઇરીગેશન બાયપાસ ટનલ )નો ઉપયોગ કરી મેન કેનલ દ્વારા 10,000 ક્યુસેક પાણી અપાતું હતું.

15 માર્ચ 2018નાં ડેમમાં પાણીની આવક ઘટી હતી-
15મી માર્ચથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાનું બંધ કરાયું હતું. નર્મદા કેનાલમાંથી ગુજરાતની 6 કરોડની જનતાને ફક્ત પીવા માટે જ પાણી આપવામાં આવશે તેવો આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો. ડેમની માઇનોર, સબમાઇનોર અને ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે. કારણ કે ડેમમાં પાણીની આવક જ ન હતી. અને જથ્થો પણ ઘટી રહ્યો હતો. બીજી તરફ ખેડૂતો પોતાનો પાક બચાવવા સરકારને વિનંતી કરી હતી કે પાણી ચાલુ રાખવામાં આવે જેનાથી તેમનો પાક બચી શકે

Previous articleબોક્સર અમિતે 49 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો
Next articleજૈન મુનિ તરૂણ સાગર મહારાજ કાળધર્મ પામ્યાં