૧૫મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ધારણા પ્રમાણે જ ભારતીય ટીમમાં વિરાટ કોહલીને એશિયા કપ માટે સામેલ કરવામાં આવ્યો નથી. વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. કોહલીની જગ્યાએ રોહિત શર્માને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમમાં રાજસ્થાનના ઝડપી બોલર ખલીલ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખલીલ અહેમદ એકમાત્ર નવો ખેલાડી છે. ખલીલ પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છે. ખલીલની પ્રતિભાને સપાટી ઉપર લાવવામાં રાહુલ દ્રવિડની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. આ ઝડપી બોલરે ભારત માટે અંડર-૧૯ ક્રિકેટમાં જોરદાર રમત રમી છે. નવા બોલ સાથે ખલીલે ભારતને સારી શરૂઆત અપાવી છે. વર્ષ ૨૦૧૬ અંડર-૧૯ વર્લ્ડકપમાં રમતા પહેલા ત્રણ દેશોના અંડર-૧૯ ટુર્નામેન્ટમાં તે ત્રણ મેચમાં ૧૨ વિકેટ ઝડપી ચુક્યો છે. આ પહેલા ફાઈનલમાં શ્રીલંકાની સામે કોલંબોમાં ૨૯ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અલબત્ત તે ફોર્મને વર્લ્ડકપ સુધી જાળવી શક્યો ન હતો અને ટીમમાંથી તેની ફરી પડતી થઈ હતી. જોકે તે ટીમ સાથે સતત જોડાયેલો રહ્યો છે. ખલીલ રાજસ્થાનના ટોંક જિલ્લામાંથી આવે છે. તે બાળપણથી જ ક્રિકેટનો ચાહત તરીકે રહ્યો છે. રાજસ્થાન અંડર-૧૬ અને અંડર-૧૯માં તે રમી ચુક્યો છે. ખલીલના પિતા પહેલા પોતાના પુત્રને ક્રિકેટ રમવાનું પસંદ કરતા ન હતા. તેમની ઈચ્છા હતી કે ખલીલ ડૉકટર બને પરંતુ કોચ ઈમ્તીયાઝે તેમને મનાવી લીધા હતા અને ત્યારબાદ ક્રિકેટની પ્રેકટીસ શરૂ કરી હતી. ખલીલે કહ્યું છે કે ટોંકમાં તે દિવસોમાં ક્રિકેટ રમનારને યોગ્ય રીતે ગણવામાં આવતા ન હતા. ખલીલની પ્રતિભાને સપાટી ઉપર લાવવામાં રાહુલ દ્રવિડની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે. ઈન્ડિયા-એ અને અંડર-૧૯ ટીમોમાં રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં ટીમ તૈયાર થઈ છે. ખલીલ વર્ષ ૨૦૧૬માં દિલ્હી ડેરડેવીલ્સ સાથે જોડાયો ત્યારે રાહુલ દ્રવિડ જ ટીમના મેન્ટર તરીકે હતો. ખલીલે ૨૦૧૬માં દિલ્હી ડેરડેવીલ્સે ૧૦ લાખ રૂપિયામાં ખરીદી લીધા બાદ સતત અનુભવ મેળવતો રહ્યો હતો. વર્ષ ૨૦૧૮માં સનરાઈઝ હૈદરાબાદ તરફથી ૨૦ લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝ ધરાવનાર ખલીલને ત્રણ કરોડ ૨૦ લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૮માં સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટમાં ખલીલે ૧૦ મેચોમાં ૧૭ વિકેટો ઝડપી હતી. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓની યાદીમાં બીજા સ્થાને રહ્યો હતો. ૧૫ રનની સરેરાશ સાથે ખલીલે બોલીંગ કરી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર ઈન્ડિયા એ તરફથી પણ તેનો દેખાવ જોરદાર રહ્યો હતો.