ન્યૂયોર્કમાં રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં વર્તમાન ચેમ્પિયન રાફેલ નડાલે શક્તિશાળી રશિયન ખેલાડી કારેન ખચાનવ ઉપર રોમાંચક મેચમાં જીત મેળવીને આગામી રાઉન્ડમાં કૂચ કરી લીધી હતી. ચાર સેટમાં ત્રીજા રાઉન્ડની મેચ ચાલી હતી. પ્રથમ સેટ ગુમાવી દીધા બાદ નડાલે આ મેચ ૫-૭, ૭-૫, ૭-૬, ૭-૬ થી જીત મેળવી હતી. સ્પેનિશ ખેલાડીએ પ્રથમ સેટ ગુમાવી દીધો હતો પરંતુ ત્યારબાદ જોરદાર વાપસી કરીને બાકીના ત્રણ સેટ જીતી લીધા હતા. પ્રથમ ક્રમાંકિત ખેલાડી રાફેલ નડાલ હવે અંતિમ ૧૬ની મેચમાં જોર્જિયાના નિકોલોસ સામે રમશે. ૧૭ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન નડાલે ચોથી વખત યુએસ ઓપનમાં તાજ જીતવાના ઈરાદા સાથે એન્ટ્રી કરી છે. એક વખતે એવું લાગતું હતું કે રશિયન ખેલાડી અપસેટ સર્જશે પરંતુ નડાલે જોરદરા વાપસી કરીને બાકીના ત્રણ સેટ જીતી લીધા હતા. અગાઉની બે મેચોમાં એક પણ સેટ ન ગુમાવ્યા બાદ ત્રીજા રાઉન્ડની મેચમાં નડાલ પ્રથમ સેટ હારી ગયો હતો. મહિલા વર્ગમાં રશિયાની સ્ટાર ખેલાડી શારાપોવાએ જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં કૂચ કરી હતી. આ ઉપરાંત અમેરિકાની મેડિસન કીની પણ જીત થઈ હતી. આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે.