ગાંધીનગર સિવિલમાં રૂપિયા એક કરોડના ખર્ચે ઓબ્સ આઇસીયુ સહિતનો અદ્યતન લેબર વોર્ડ તૈયાર કરી કાર્યરત કરી દેવામા આવ્યો છે. વોર્ડમાં અલગ અલગ ૩ ભાગ પાડ્યા છે. જેમાં લેબર રૂમ, ડીલીવરી રૂમ અને તપાસવા માટેના રૂમની વ્યવસ્થા કરી છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. બિપિન નાયકે કહ્યુ કે, ગાઇડ લાઇન પ્રમાણે વોર્ડ તૈયાર કરાયો છે. આશરે દોઢ વર્ષ પહેલા વિચારણા કરાઇ હતી અને હાલમાં ૬૫ લાખના ખર્ચે વોર્ડ સહિત અલગ અલગ ઇક્વીપમેન્ટ અને મશીન સહિત રૂપિયા એક કરોડનો ખર્ચે થયો છે.
વોર્ડમાં ૧૨ સ્ટાફ નર્સ અને ૪ તબીબ ફરજ બજાવશે. વોર્ડ તૈયાર થવાથી ગંભીર પ્રકારની બિમારીમાં પણ પ્રસુતાઓને સારવાર મળી રહેશે અને અમદાવાદ રીફર કરવાની ફરજ નહીં પડે. વોર્ડમાં આઇસીયુમાં ૮ બેડ, એચડીયુમાં ૬ બેડ, લેબર રૂમમાં ૧૫ સહિત અન્ય ચેપી રોગમાં અલગ રાખવાના બેડની વ્યવસ્થા કરી છે. પ્રસુતિ માટે આવનાર મહિલાઓને સિવિલમાં પગથિયા ચડ ઉતર કરવાની કે લીફ્ટમાં જવાની સમસ્યા નહિં રહે.
લેબર વોર્ડમાં રૂ. ૧૨ લાખના ખર્ચે સોનોગ્રાફી મશીન વસાવી લેવાયુ છે. જેનાથી સારવાર માટે આવનાર મહિલાઓની તપાસ કરી શકાશે.