રાજયના દરેક જિલ્લાઓમાં તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ થી સમગ્ર માસ દરમ્યાન પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન દ્વારા કુપોષણ મુક્ત અભિયાન હેઠળ વિવિધ વિભાગો દ્વારા સધન પ્રયાસો હાથ ધર્યા છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મંગુબેન ચૌધરીએ દીપ પ્રગટાવી પોષણ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી હિતેષભાઇ કોયાએ જણાવ્યું હતું કે, બાળકોના પોષણ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલ રાજય સરકારના તમામ વિભાગોના સંકલન દ્વારા જન આંદોલન સ્વરૂપે સક્રિય પ્રયાસો હાથ ધરી કુપોષણમાંથી ગાંધીનગર જિલ્લો મુક્ત બને તે માટે અને કુપોષિત બાળકોમાં ધટાડો થાય અને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પોષણ સેમિનાર, યુવા શક્તિ રેલી, મમતા દિવસ, બાળતુલા દિવસ, આંગણવાડી કેન્દ્રોમાં સ્વચ્છતા અભિયાન, પ્રભાત ફેરી, આરોગ્ય તપાસ, અન્ન પ્રાશન અને લોક જાગૃતિ કાર્યક્રમો યોજાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ વિવિધ ઉત્કર્ષ યોજનાઓનું ગાંધીનગર જિલ્લામાં સધન અમલીકરણ કરવા સહિયારા પ્રયાસો હાથ ધરાશે.
ગાંધીનગર જિલ્લા પંચાયત હોલ ખાતે પોષણ માસની ઉજવણી પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંગુબેન ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી હિતેષભાઇ કોયાએ જિલ્લા પંચાયતના તમામ અધીકારી અને કર્મચારીઓને પોષણ અભિયાન અંગે શપથ લેવડાવ્યા હતા.