ગાંધીનગર જિલ્લામાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકનું લોકાર્પણ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોરના હસ્તે આજ રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે ર્ડા. બાબાસાહેબ આંબેડકર ભવન, સેકટર ૧૨ ખાતે કરવામાં આવ્યુ હતું. ગ્રામીણ અને અર્ધ શહેરી વિસ્તારોમાં ડીજીટલ ચુકવણીની સેવાઓને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારના પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંકની શરૂઆત કરવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટસ બેંક સેવાનો આરંભ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે દેશભરમાં કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પણ કલેકટર ઓફીસ પાસે મુખ્ય પોસ્ટ ઓફીસ, સેકટર – ૧૬ પોસ્ટ ઓફીસ તેમજ ત્રણ ગ્રામ્ય કોબા, રાયસણ અને ઈન્દ્રોડા ખાતે કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્કનો રાજ્ય પ્રારંભ કરાવતાં વિશ્વાસ વ્યકત કર્યો કે આ સેવાઓ દેશની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્કના કારણે હવે સામાન્યમાં સામાન્ય માનવી, ગ્રામીણ-ગરીબ અંતરિયાળ વિસ્તારોમાં ઘર આંગણે ડીઝીટલ બેન્કીંગ સેવાઓનો લાભ મળતો થવાનો છે.
વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં પોસ્ટ વિભાગની ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક સેવાઓનો રાજ્યસ્તરીય પ્રારંભ કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા, સાંસદ ડૉ. કિરીટ સોલંકી તેમજ અમદાવાદના મેયર બિજલ પટેલની ઉપસ્થિતીમાં કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોએ પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા ગ્રાહકો માટેના ઊઇ કાર્ડ અને ખાસ ટપાલ કવરનું પણ અનાવરણ કર્યુ હતું. દેશભરમાં ૧.પપ લાખ પોસ્ટ ઓફિસનું નેટવર્ક અને પોસ્ટ વિભાગની સમાજ સાથેના જોડાણની આગવી વિરાસત હવે નયા ભારતના નિર્માણમાં નવા પ્રાણ સાથે જોડાઇ રહી છે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
ગુજરાતની ૮૯૮૪ પોસ્ટ ઓફિસો આ સેવામાં ક્રમશઃ જોડાઇને ગ્રામીણ સ્તર સુધી ડિઝીટલ સ્માર્ટ બેન્કીંગ સેવાઓ આપશે એમ પણ તેમણે કહ્યું હતું. મુખ્યમંત્રીએ આ સેવાઓ ભ્રષ્ટાચાર નિર્મૂલનમાં પણ મહત્વપૂર્ણ બનશે એમ જણાવી સ્પષ્ટપણે ઉમેર્યુ કે, હવે સરકારની યોજનાઓના લાભો-સહાય બધું જ સીધું પોસ્ટ બેન્ક ખાતામાં જમા થતા વચેટિયા આપોઆપ નાબૂદ થશે.
ગુજરાતમાં પીપલ સેન્ટ્રીક ઓનલાઇન સેવાઓનો વ્યાપ વધારીને હવે ગૂનેગારોના ડેટા પોલીસ તંત્રની હાથવગા કરાવતી પોકેટ કોપ, ડ્રોન ટેકનોલોજી, ઓનલાઇન પાસપોર્ટ વેરિફીકેશનથી પારદર્શીતા અને ગતિશીલતાની પહેલ રૂપ સિધ્ધિઓની વિશદ ભૂમિકા આપી હતી. તેમણે ૬ નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો પણ રાજ્યમાં શરૂ થતાં હવે રપ પાસપોર્ટ સેવા કેન્દ્રો કાર્યરત થયા છે અને જનસુવિધા વૃધ્ધિ થઇ છે તેમ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ પોસ્ટ વિભાગ નવિન પર્વ કે લીયે નવિન પ્રાણ ચાહિયેનો ધ્યેય મંત્ર આ સેવાઓ દ્વારા સાકાર કરે તેવું આહવાન કર્યુ હતું.