ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામવાનો છે. મુખ્ય હરિફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે વધુ જોર કરવા માગે છે અને ખાસ કરીને જ્યાં કોંગ્રેસની હાલત નબળી છે તેવી શહેરી બેઠકો પર વધુ ફોકસ કરવાનો નિર્ણય લેવાયો છે અને તેના માટે અલગથી વ્યૂહરચના ઘડાઈ રહી છે.
કોંગ્રેસના વર્તુળોએ જણાવ્યું છે કે ગુજરાતની ૬૭ જેટલી અર્બન બેઠકો અને ૨૦ જેટલી સેમી અર્બન બેઠકો પર કોંગ્રેસનો દેખાવ નબળો રહ્યો છે અને ત્યાં કોંગ્રેસ વધુ ધ્યાન આપવા માગે છે અને તેના માટે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને આકર્ષવા માટે કોંગ્રેસ ખાસ વ્યૂહરચના બનાવે છે.
રાહલ ગાંધી અને અન્ય કોંગ્રેસી નેતાઓ યુવા અને વિદ્યાર્થી મતદારોને આકર્ષવા માટે ૧૦૦ જેટલી વોર્ડલેવલ મિટિંગો કરશે અને આ તમામ શહેરી બેઠકોમાં માઈક્રો મેનેજમેન્ટ સાથે બુથની જાળવણી થશે.
અત્યારે કોંગ્રેસ પાસે ૪૬ શહેરી બેઠકો પૈકીની માત્ર ૪ બેઠકો છે. જ્યારે ભાજપ પાસે ૪૨ શહેરી બેઠકો છે જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભાવનગરનો સમાવેશ થાય છે. ૨૦૧૨માં સુરતમાં ૧૬ શહેરી બેઠકોમાંથી ભાજપે ૧૫ મળી હતી. અમદાવાદમાં ૧૭ શહેરી બેઠકોમાંથી ભાજપ્ને ૧૫ મળી હતી. જ્યારે રાજકોટની ચાર શહેરી બેઠકોમાંથી તેને ૩ બેઠકો મળી હતી. જ્યારે ભાવનગરમાં બન્ને બેઠકો તેના હાથમાં આવી હતી.
કોંગ્રેસના એક નેતાએ એવી માહિતી આપી છે કે અમે આ માટે કેમ્પેઈનનું મટીરીયલ તૈયાર કર્યું છે જે કોલેજોમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં આપવામાં આવશે અને વિદ્યાર્થીઓ તથા યુવાનોને માહિતગાર કરવામાં આવશે. તાજેતરમાં જ યોજાયેલી ૫૬ જેટલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ્ના હાથમાં ૪૦ સંસ્થાઓ આવી હતી માટે હવે કોંગ્રેસ યુવા મતદારો તરફ વધુ ધ્યાન આપશે અને તેના માટે મટિરીયલ તૈયાર છે.