આવતીકાલે શિતળા સાતમ અને પરમદિવસે જન્માષ્ટમી પર્વને ઉજવવા શહેરભરમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે અને વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત મટકીફોડ સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે. જેમાં શહેરના તળાજા જકાતનાકા, જલારામ સોસાયટી ખાતે સ્થાનિક વિસ્તારમાં ૪ વર્ષથી કાર્યરત યુવાઓના ગ્રુપ પ્રિન્સ ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં મટકીફોડ, શોભાયાત્રા અને દાંડીયારાસ સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે.
પ્રિન્સ ગ્રુપ દ્વારા જણાવાયા મુજબ, મટકીફોડ યાત્રા રાત્રિના ૯ થી ૧૨ દરમિયાન નિકળશે. ત્યારબાદ દાંડીયારાસની મોજ કરવામાં આવશે તેમજ રાત્રિના ૧૨-૦૦ વાગે મટકી ફોડવામાં આવશે અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવ વેળાએ મહાઆરતી ઉપરાંત સ્થાનિક વિસ્તારની મહિલાઓ દ્વારા દાંડીયારાસના રાસ રમી યશોદાના લાલને વધાવવામાં આવશે અને તેના જન્મોત્સવને રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. દેવકીનંદન ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા શહેરમાં ઠેર-ઠેર આયોજનો કરાયા છે. તેમાં પ્રિન્સ ગ્રુપનું આયોજન કાંઇક અનોખુ અને અલગ ભાત પાડતું છે. સ્થાનિક વિસ્તારને ગામઠી ઢબે શણગારવામાં આવ્યો છે અને કહો કે ગોકુળીયુ ગામ જલારામ સોસાયટીમાં ઉભુ કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમને લઇ સ્થાનિક વિસ્તારમાં જબરદસ્ત ઉત્સાહ છવાયો છે અને કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સ ગ્રુપના યુવાનો જહેમત ઉઠાવી રહ્યાં છે.