નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના આઠ લાખથી વધુ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ સપ્ટેમ્બર-૨૦૧૮ ના પગાર સાથે ચુકવવામાં આવશે, જેનાથી રાજ્ય સરકારને રૂ.૬૮૦ કરોડનો વધારાનો વાર્ષિક બોજ પડશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે, જેના ભાગરૂપે આ નિર્ણય કરાયો છે, તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ કે, રાજ્ય સરકારના ૧,૮૫,૫૭૫, પંચાયત વિભાગના ૨,૦૮,૭૭૧ અને ૪,૨૬,૪૧૮ પેન્શનરો મળી, અંદાજીત કુલ ૮,૨૦,૭૬૪ અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચના લાભો મંજૂર કરેલ છે, જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તેના અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને જન્માષ્ટમી તથા આગામી તહેવારોને ધ્યાને લઇને, તા.૦૧.૦૧.૨૦૧૮ થી ૨% મોંઘવારી ભથ્થું રોકડમાં આપવાનો નિર્ણય કર્યો છે.