ધંધુકા તાલુકા તેમજ અન્ય ગામડાઓમાં રહેતા પટેલ પરિવારના પુરૂષો, મહિલાઓ, યુવકો સહિત અંદાજે પ૦૦ લોકો જાળીયા ગામ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.
અનામતની માંગણી તેમજ ખેડૂતોને દેવામાફી મુદ્દે પાટીદાર સમાજને જાળીયા સથવારા સમાજ, કોળી પટેલે સમાજે પણ ટેકો આપ્યો હતો. ધંધુકા તાલુકાના અગ્રણી નારણભાઈ પટેલ, કિશોરભાઈ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા તો રાજેશભાઈ ગોહિલ, ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય પણ ખાસ હાજર રહ્યાં હતા. સમગ્ર એકત્રિત થયેલ લોકોએ રામધૂન લગાવી રાજ્ય સરકારને સદબુધ્ધિ ભગવાન આપે તેવી માંગણી સાથે સતત દિવસ દરમ્યાન રામધૂન લગાવી હતી. આમ દિન-પ્રતિદિન અનામત તેમજ ખેડૂતોના દેવામાફીને લઈ ખેડૂત સમાજ ટેકો આપી રહ્યો છે.