ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે આવેલ એસબીઆઈ બેંકમાં ગ્રાહકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. બેંક સત્તાવાળાઓ દ્વારા ગ્રાહકોને કોઈપણ પ્રકારની સવલતો પ્રદાન કરવામાં ન આવી રહી હોવાની ફરિયાદો વ્યાપક બની રહી છે.
છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્યકક્ષાએ એસબીઆઈ બેંકોનો વહિવટ અનહદ કથળ્યો છે. બેંકીંગ વ્યવહાર અર્થે આવતા લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે. ભાવનગર જિલ્લાના કોળીયાક ગામે આવેલ એસબીઆઈ બેન્કમાં કોળીયાક સહિત આસપાસના અનેક ગામના લોકો આર્થિક વ્યવહાર ધરાવે છે પરંતુ વહેલી સવારથી આવતા લોકો બપોરે ૧ વાગ્યા સુધી લાઈનોમાં ઉભા રહે છે છતા તેઓના કામ પૂર્ણ થતા નથી. બેંકના તમામ સ્ટાફના લોકોનું વર્તન બિલકુલ ઉચીત હોતું નથી. આ સંદર્ભે હેડ બ્રાન્ચમાં વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ જ ઉચીત કાર્યવાહી કરવામાં આવી નથી. અત્રે વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળે છે. આ બાબતે જવાબદારો સત્વરે ઘટતું કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.