ભાવનગર શહેર તથા જિલ્લામાં શ્રાવણી પર્વ અન્વયે શિતળા સાતમ-જન્માષ્ટમી તથા પારણા નોમના પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પ્રતિ વર્ષની પરંપરા અનુસાર આ વર્ષે પણ શ્રાવણ વદ ચોથ-બોળ ચોથના દિવસથી શ્રાવણ પર્વ સુત્રનો થયેલો પ્રારંભ શ્રાવણ વદ પારણા નોમના દિવસે ઉત્સવ શ્રૃંખલાનું સમાપન થયું હતું. જેમાં બે દિવસના જન્માષ્ટમી તથા કૃષ્ણ નોમના રોજ ભાવનગર શહેર-જિલ્લામાં સેંકડો શ્રધ્ધાળુઓએ ભારે આસ્થાભેર કૃષ્ણ જન્મોત્સવના પર્વને ઉજવ્યું હતું. જો કે આ લોકપર્વની ઉજવણીમાં શહેર તથા ગ્રામ્યકક્ષાની ઉજવણીમાં જમીન આસમાનનો તફાવત જોવા મળ્યો હતો. ગામડાઓમાં છેલ્લા એક સપ્તાહ કરતા વધુ સમયથી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ થઈ રહી હતી.
જ્યારે શહેરમાં એક-બે દિવસ અગાઉ તૈયારીઓ થવા પામી હતી. સૌપ્રથમ વાત શહેરની તો શહેરમાં આદિકાળથી શહેરના પ્રચલીત વિસ્તારોમાં યુવક મંડળો દ્વારા જન્માષ્ટમીના દિવસે દહીહાંડી-મટકીફોડ, રાસ મહોત્સવ જેવા આયોજનો ઉપરાંત ગોકુળ ગામની ઝાંખી કરાવતા મુવીંગ દ્રશ્યો બનાવવામાં આવ્યા હતા. તદ્દઉપરાંત વિવિધ મંદિરોમાં રાત્રે બારના ટકોરે કૃષ્ણ જન્મોત્સવનો ભવ્ય ઉત્સવ ઉજવાયો હતો. લોકોને પંજરી, મીશરી, માખણના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી રાતભર શરૂ રહેવા પામી હતી તો નોમના દિવસે કૃષ્ણ મંદિરોમાં વૈષ્ણવોએ દર્શન તથા કાનાને હિંડોળે ઝુલાવવા ભારે ભીડ જમાવી હતી. શહેરના તળાજા જકાતનાકા બહુચર મંદિર, સંસ્કાર મંડળ સ્થિત ખોડીયાર મંદિર, વડવા સહિત અનેક સ્થળો પર જન્માષ્ટમી પર્વ અન્વયે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટીસંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તથા માલધારી સમાજના ઈષ્ટદેવ ઠાકર મંદિર ખાતે લોકભાતીગળ મેળાઓ યોજાયા હતા. શહેરના ફુલસર ખાતે આવેલ ઠાકરદ્વારા ખાતે મોટીસંખ્યામાં શ્રધ્ધાળુઓએ દર્શન, પ્રસાદનો લ્હાવો લઈ પાવન બન્યા હતા તેમજ જિલ્લાના તમામ તાલુકાઓ તથા ગામડાઓમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે અજળ શ્રધ્ધા-ભક્તિના અનેરા દર્શન થયા હતા. ગામડાઓમાં લોકો સ્વયં બેદિવસીય મહા મહોત્સવમાં ભારે હર્ષોલ્લાસભેર સહભાગી થયા હતા. ગામડાઓમાં રાસ, મટકી ફોડ, લોકડાયરાઓ લોક આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તથા મેળાની મોજ મન ભરીને માણી હતી. આ ઉત્સવ સાથે સાથે ગામડાઓમાં જન્માષ્ટમીના દિવસે શ્રધ્ધાળુઓ માટે ફળાહાર તથા નોમના દિવસે પારણા (પારણા નોમ) નિમિત્તે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. મહુવા તાલુકાના કરમદીયા ગામની સીમમાં વનવગડે ગીરીકંદરાઓ વચ્ચે આહલાદક સાનિધ્યમાં બિરાજતા વાણીયાવિર કાળીયાઠાકરની જગ્યા ખાતે પ૦ હજારથી વધુ શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જ્યા પ્રકૃતિ પરમેશ્વર ઠાકર મહારાજના દર્શન તથા પ્રસાદ-ફરાળની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેમજ ભરવાડ સમાજ દ્વારા આ દિન નિમિત્તે દ્વિતિય ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર-જિલ્લાના તમામ મંદિરોમાં જન્માષ્ટમી પર્વ અન્વયે ભારે ભીડ જોવા મળી હતી.