કેરળ પુર બાદ લેપ્ટોનો આંતક જારી : ૧૨ લોકોના મોત થયા

957

કેરળમાં વિનાશકારી પુર બાદ હવે જુદા જુદા રોગને લઇને  લોકોની હાલત કફોડી બનેલી છે. રોગચાળો વકરી રહ્યો છે. પહેલી ઓગષ્ટથી ત્રીજી સપ્ટેમ્બર વચ્ચેના ગાળામાં જ લેપ્ટોસ્પાયરોસીસ રોગના કારણે રાજ્યમાં ૧૨ લોકોના મોત થઇ ગયા છે. જ્યારે લેપ્ટોના ૩૭૨ કેસો સપાટી પર આવ્યા છે.

રોગચાળાના કારણે કેરળના આરોગ્ય પ્રધાન કેકે શેલજાએ કહ્યુ છે કે કોઝિકોડેમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. સૌથી વધારે લેપ્ટોના કેસ સપાટી પર આવતા લોકોમાં ભારે ફફડાટ છે. સમીક્ષા બેઠક યોજવામાં આવ્યા બાદ આરોગ્ય પ્રધાને કહ્યુ છે કે ત્રણ સપ્તાહ માટે હાઇ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવી છે. સમીક્ષા બેઠક બાદ આરોગ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે કેરળમાં રોગચાળાને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ હતુ કે લોકોને દહેશતમાં રહેવા માટેના કોઇ કારણ નથી. તમામ હોસ્પિટલમાં પુરતા પ્રમાણમાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે. પુર બાદ લોકોને કેટલીક પ્રકારની સલાહ આપવામાં આવી રહી હોવા છતાં લોકો બિમારીના સંકજામાં આવી રહ્યા છે.

કેરળમાં સદીના વિનાશકારી પુરના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. ૪૦૦થી વધારે લોકોના મોત થયા હતા. પુરના કારણે આશરે ૨૦,૦૦૦ કરોડનુ નુકસાન થયુ હતુ. કેરળમાં જનજીવનને સામાન્ય બનાવવા માટેના પ્રયાસ અવિરત પણે જારી રહ્યા છે. કેરળમાં સ્થિતીને સામાન્ય બનાવવામાં હજુ ખુબ સમય લાગી શકે છે.કેરળમાં હજારો લોકો હજુ રાહત કેમ્પમાં રહેલા છે.

કેરળમાં આરોગ્યમંત્રી કેકે સેલજા ટીચરનું કહેવું છે કે, તમામ હોસ્પિટલોમાં દવાઓની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કોઝીકોડે જિલ્લામાં સૌથી વધારે કેસ લેપ્ટોના નોંધાયા છે. સામાન્ય લોકોએ ચેતવણી આપવામાં હોવા છતાં સૂચના મુજબની દવાઓ લીધી નથી. લેપ્ટોસ્પાઇરોસીસ એક એવી બિમારી છે જે માનવીઓ અને પ્રાણીઓ બંને ઉપર અસર કરે છે જ્યારે કોઇ વ્યક્તિ અસરગ્રસ્ત અને ઇન્ફેક્શનથી ગ્રસ્ત પ્રાણીઓના યુરિનના સીધા સંપર્કમાં આવે છે ત્યારે તેને લેપ્ટોસ્પાઇરોસીસની તકલીફ થઇ શકે છે. તાવ, માથામાં દુખાવો, આંખોમાં બળતરા, ઝાડા-ઉલ્ટીના લક્ષણો આ બિમારીમાં રહે છે. કેરળમાં પુરના કારણે અભૂતપૂર્વ નુકસાન થઇ ચુક્યું છે. હવે રોગચાળામાંથી બહાર નિકળવાના પગલા લેવામાં આવી રહ્યા છે.

Previous articleડોલર સામે રૂપિયો ૭૧.૫૮ ઓલ ટાઈમ નીચી સપાટીએ
Next articleજાપાન ઉપર શક્તિશાળી ‘જેબી’ વાવાઝોડું ત્રાટક્યું