રાજયભરમાં કૃષ્ણમંદિરોમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો

1274

અમદાવાદ સહિત રાજયભરમાં ગઇકાલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના પવિત્ર પર્વ જન્માષ્ટમી મહોત્સવની ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. તો, દ્વારકા, ડાકોર, શામળાજી, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે, અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ, રાજકોટ સહિતના સ્થળોએ તો જન્માષ્ટમીને લઇ બેથી ત્રણ દિવસના ભરાયેલા ભવ્ય લોકમેળામાં અભૂતપૂર્વ માનવમહેરામણ ઉમટયો હતો.

લોકો જાણે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં ઘેલા બન્યા હતા. અમદાવાદ શહેર સહિત રાજયભરના કૃષ્ણ મંદિરો બરોબર રાત્રિના ૧૨ વાગ્યે રાજયભરના કૃષ્ણમંદિર સહિતના મંદિરો કૃષ્ણ કનૈયાલાલ કી જય, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી, હાથીઘોડા પાલખી-જય કનૈયાલાલ કીના ભકિતનાદ સુધી ગુંજી ઉઠયા હતા.

પવિત્ર યાત્રાધામ ડાકોર, દ્વારકા અને શામળાજીમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતોનું ઘોડાપૂર ઉમટયું હતું તો, બીજીબાજુ, શહેરના જગન્નાથજી મંદિર, સોલા ભાગવત ખાતેના રસરાજપ્રભુજીના મંદિર, ઇસ્કોન ખાતે રાધાકૃષ્ણ મંદિર, ભાડજના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડ પરના વલ્લભસદન સહિતના કૃષ્ણમંદિરોમાં પણ લાલાના દર્શન માટે ભકતોએ રીતસરની પડાપડી કરી હતી. જન્માષ્ટમીને લઇ મોડી રાત સુધી કૃષ્ણમંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. જન્માષ્ટમી મહોત્સવને લઇ શહેર સહિત રાજયભરમાં કૃષ્ણભકિતનો ભકિતરસનો માહોલ છવાયો હતો. જન્માષ્ટમી નિમિતે ડાકોરના સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિરમાં રાત્રે ૧૨-૦૦ વાગ્યે ભગવાનને પંચામૃત સ્નાન કરાવાયું હતું, ત્યારબાદ રણછોડરાયજીને ભવ્યાતિભવ્ય આભૂષણો, દર-દાગીના પહેરાવી અદ્‌ભુત સાજ શણગાર કરાયા હતા. જન્માષ્ટમીના પ્રસંગે રણછોડરાયને ખાસ રત્નજડિત મુગટ પહેરાવાયો હતો. ભગવાન રણછોડરાયજીને પહેરાવાયેલા આ સવાલાખના મુગટની કિંમત આજથી આશરે ત્રણસોથી ચારસો વર્ષ પહેલા સવા લાખ રૂપિયાની હતી, એટલે વિચારી જુઓ કે, શ્રીકૃષ્ણ ભગવાન સાચા અર્થમાં રાજાધિરાજ અને રાજા રણછોડ તરીકેની જાજરમાન ભવ્યતા ભોગવતા હતા. એ પછી લાલાને સોનાના પારણે ઝુલાવવામાં આવ્યો ત્યારે મંદિર અને મંદિર પરિસરમાં ઉમટેલા લાખો શ્રધ્ધાળુઓ નંદ ઘેર આનંદ ભયો, જન કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, જય  કનૈયાલાલ કી, કૃષ્ણ કનૈયાલાલ કી જયના જોરદાર ભકિતનારા લગાવ્યા હતા. આજે વહેલી પરોઢે પાંચથી ૫-૩૦ મહાભોગની આરતી થઇ હતી અને નોમનો પવિત્ર દિવસ હોઇ લાલાને પારણામાં ઝુલાવવાની સાથે નંદમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દરમ્યાન જગપ્રસિધ્ધ દ્વારકા ખાતે જન્માષ્ટમીની વહેલી સવારે આઠ વાગ્યે દ્વારકાધીશજીને ખુલ્લા પડદે પંચામૃત સ્નાન કરાવાયું હતું. જે આખા વર્ષમાં જન્માષ્ટમીના એક જ દિવસે ખુલ્લા પડદાની સ્નાનવિધિ હોય છે. ત્યારબાદ આરતી અને દર્શન, બપોરે ૧૨-૦૦ વાગ્યે રાજભોગ, સાંજે પાંચ વાગ્યાથી દર્શન, સંધ્યા આરતી સહિત નવ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહ્યા હતા. બરોબર રાત્રે ૧૨.૦૦ વાગ્યે દ્વારકાધીશજીની આરતી ઉતારી સામે દેવકીમંદિરમાં જ્ન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકાધીશની જય, બાળગોપાલ લાલજીની જય સહિતના ભકિતનારા મંદિર પરિસરમાં ગુંજી ઉઠતાં ભકિતનો માહોલ છવાયો હતો. દ્વારકાધીશજી(ઠાકોરજી)ને જન્માષ્ટમીને લઇ વિશેષ સાજ-શણગાર કરવામાં આવ્યો હતો. લાખો શ્રધ્ધાળુઓની ભીડને લઇ મોડી રાત સુધી દ્વારકા મંદિર ખુલ્લુ રખાયું હતું. આજે વહેલી સવારથી નોમના પારણામાં લાલાને બહુ વ્હાલ અને હેતથી ઝુલાવવામાં આવ્યો હતો. આ જ પ્રકારે શામળાજી મંદિરમાં પણ જન્માષ્ટમીના તહેવાર અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શામળિયા ઠાકરનો જન્માષ્ટમી નિમિતનો ભવ્ય સાજ શણગાર અત્યંત મનમોહક અને સાક્ષાત્‌ જણાતો હતો. ડાકોર, દ્વારકા અને શામળાજી ત્રણેય મંદિરોને ઝળહળતી રોશનીઓ, ફુલ-હાર, આસોપાલવ તોરણો અને અનેક આકર્ષણોથી સજાવવામાં આવ્યા હતા. જન્માષ્ટમીના તહેવારને લઇ શહેરના જગન્નાથજી મંદિર, સોલા ભાગવત ખાતેના રસરાજપ્રભુના મંદિર, ઇસ્કોન, ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિર, આશ્રમરોડના વલ્લભસદન સહિતના કૃષ્ણ મંદિરોમાં પંચામૃત સ્નાન, આરતી, ભવ્ય શૃંગાર, કૃષ્ણજન્મોત્સવ, પારણાં અને આજે નંદ મહોત્સવ સહિતની ભકિતસભર ઉજવણી કરવામાં આવી હતી. મોડી રાત સુધી શહેર સહિત રાજયભરના તમામ કૃષ્ણમંદિરો સહિતના મંદિરોમાં શ્રધ્ધાળુ ભકતોએ ભગવાન શ્રીકૃષ્ણ(લાલા)ના દર્શન માટે ભારે પડાપડી કરી હતી. કૃષ્ણમંદિરો જય રણછોડ, માખણચોર, નંદ ઘેર આનંદ ભયો, જન કનૈયાલાલ કી, મંદિરમાં કોણ છે, રાજા રણછોડ છે ને ભકિતનારાઓથી ગુંજી ઉઠતાં ભકિતનો માહોલ છવાયો હતો. તો, દ્વારકા, ડાકોર, શામળાજી, ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામે, અમદાવાદમાં સોલા ભાગવત વિદ્યાપીઠ, રાજકોટ સહિતના સ્થળોએ તો જન્માષ્ટમીને લઇ બેથી ત્રણ દિવસના ભરાયેલા ભવ્ય લોકમેળામાં અભૂતપૂર્વ માનવમહેરામણ ઉમટયો હતો. લોકમેળાઓમાં મહિલાઓ, બાળકો સહિતના અબાલ-વૃધ્ધ સૌકોઇએ ભગવાન કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી સાથે લોકસંસ્કૃતિ અને મન ભરીને મોજ માણી હતી.

Previous articleરાજ્યના ૩૨ શ્રેષ્ઠ શિક્ષકને એવોર્ડથી સન્માનિત કરાશે
Next articleમોકડ્રીલનું આયોજન : કચ્છમાં ‘સુનામી’,૧૭૦૦ લોકોને સલામત સ્થળે ખસેડાયા.!!