કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આજે સત્તાવાર રીતે ગુજરાત રાજયની વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી દેતાની સાથે જ ગુજરાત રાજયમાં આદર્શ આચારસંહિતા લાગુ પાડતી જાહેરાત રાજય ચૂંટણી પંચ તરફથી કરવામાં આવી હતી. મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવાની સાથે સાથે રાજયભરમાંથી સરકારી-પ્રચારની જાહેરાતો, પોસ્ટર્સ, બેનર્સ, હોર્ડીંગ્સ ઉતારી લેવા સહિતના મહત્વના નિર્દેશો રાજયના તમામ જિલ્લા કલેકટરો અને સંબંધિત સત્તાધીશોને જારી કરી દીધા હતા. તા.૨૦મી ડિસેમ્બર સુધી ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા લાગુ રહેશે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર થતાં જ હવે આજથી રાજયમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થાય છે અને તેથી હવે પછી કોઇપણ નવી પરિયોજનાઓ, કાર્યક્રમો, શિલાન્યાસ સહિતની બાબતો પર પ્રતિબંધ રહેશે. આચારસંહિતા પહેલા શરૂ થઇ ચૂકેલી યોજનાઓ કે પ્રોજેકટોની કામગીરી ચાલુ રહી શકશે. આ સાથે જ તમામ સરકારી નિમણૂંકો અને બદલીઓ પર પણ પ્રતિબંધ રહેશે. ખાસ કરીને તમામ ચૂંટણી અધિકારીઓની રજા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૂંટણી પ્રચાર કે ચૂંટણી લક્ષી કામગીરી માટે રાજયમાં કયાંય પણ સરકારી વાહનોનો ઉપયોગ થઇ શકશે નહી. રાજયના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને પદાધિકારીઓ તેમના સત્તાવાર કામ માટે જ તેમના સરકારી વાહનનો ઉપયોગ કરી શકશે, એ સિવાય ચૂંટણી કામગીરી કે અન્ય કોઇપણ કામગીરી માટે તેમના સરકારી વાહનનો ઉપયોગ થઇ શકશે નહી. વધુમાં, કોઇપણ સરકારી પ્રવાસ સાથે ચૂંટણી કામગીરી જોડી શકાશે નહી. નગરપાલિકાઓ અને પંચાયતો તેમની બેઠકો જારી રાખી શકશે પરંતુ કોઇ નીતિવિષયક નિર્ણય લઇ શકશે નહી. આ સાથે જ રાજયભરમાં ગેરકાયદે, પરવાના વિનાના હથિયારો, દારૂગોળો અને દારૂની હેરફેર પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે અને તેને જપ્ત કરવાના નિર્દેશા જારી કરી દેવાયા છે.
આ સિવાય ચૂંટણી દરમ્યાન ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ અને મોનીટરીંગ માટે જિલ્લા કક્ષાએ ફરિયાદ નિવારણ સમિતિની રચના પણ કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ માટે ફલાઇંગ સ્કવોડ, વીડિયો સર્વેલન્સ ટીમ, એકાઉન્ટીંગ ટીમ સહિતની ટીમોની રચના કરી દેવામાં આવી છે અને તેને તાત્કાલિક અસરથી કાર્યરત કરી દેવામાં આવી છે.