ગૌરવ યાત્રા પર નીકળેલા રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેને હાઇકોર્ટે ઝટકો આપ્યો હતો. રાજસ્થાન હાઇકોર્ટે રાજસ્થાનની વસુંધરા રાજે સરકારને ગૌરવ યાત્રા પર સરકારી રાશિ ખર્ચ ન કરવાનો આદેશ આપતા જણાવ્યું હતું કે ગૌરવ યાત્રામાં ચાલતા વાહનોમાં મુખ્યમંત્રી વસુંધરા રાજેને છોડીને બાકીના મંત્રીઓ અને અધિકારીઓ પર સરકારી પૈસા ખર્ચ નહીં કરાય.
નોંધનીય છે કે વિપક્ષી દળ કોંગ્રેસે રાજસ્થાન હાઇકોર્ટમાં અરજી કરી હતી કે વસુંધરા રાજે સરકારની ગૌરવ યાત્રા સરકારી ખર્ચે નીકળી હતી, તેમજ આ યાત્રા દરમિયાન કલેક્ટર અને એસપીની મદદથી તેઓ લોકસંપર્ક કરી રહ્યા છે. આટલું જ નહીં પરંતુ તે સરકારી યોજનાઓના લાભાર્થીઓને બોલાવીને બીજેપીને વોટ આપવાની વાત સમજાવી રહ્યા છે.
કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટે બીજેપી અને રાજસ્થાન સરકારને નોટિસ આપી હતી, જેના જવાબમાં રાજસ્થાનની વસુંધરા સરકારે જણાવ્યું હતું કે આ ગૌરવ યાત્રા બીજેપી રાજ્ય સરકારની સંયુક્ત યાત્રા છે. રાજસ્થાનમાં જે પાર્ટીની સરકાર છે તે પાર્ટીના કાર્યકર્તાઓ સમ્મેલનોમાં હાજરી આપશે જ અને તે સાથે સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સરકાર ચર્ચા કરી રહી છે તેથી તેઓ પણ આ સમારોહમાં ભાગ લેશે. તેમના જવાબ પર સુનાવણી કરતા રાજસ્થાન હાઇકોર્ટે નિર્ણયને યથાવત રાખ્યો હતો.
રાજસ્થાન હાઇકોર્ટના જજ જીઆર મૂલચંદાનીએ આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે ચૂંટણી યાત્રા એટલે કે ગૌરવ યાત્રા પર સરકારી રાશિનો ઉપયોગ અયોગ્ય રહેશે.