રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી ચૂંટણીપંચ દ્વારા પુરજોશમાં ચાલી રહી છે ત્યારે શહેરના દિવ્યાંગ ઉમેદવારો માટે મતદાનની સ્પેશિયલ સુવિધાના ભાગરૂપે ચૂંટણીપંચે મહત્ત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની ર૧ વિધાનસભા સીટ અન્વયે અમદાવાદ શહેરના ૪૩૦૯ અપંગ મતદાતાને મતદાન કરવા બૂથમાં લઇ જવા માટે ચૂંટણીપંચ તરફથી વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવશે.પહેલી વાર દિવ્યાંગ મતદાતાઓને આ પ્રકારની વ્યવસ્થા ફાળવવામાં આવી રહી છે.
દિવ્યાંગ મતદાતાઓને મતદાન માટેની વ્યવસ્થા પૂરી પાડવા માટે એનસીસી કેડેટ્સની મદદ લેવામાં આવશે. અમદાવાદની ર૧ વિધાનસભા સીટમાં કુલ ૯,૦૦૦થી વધુ દિવ્યાંગ મતદારો છે. મતદારોને મતદાન મથકમાં લઇ જવા માટે તેમની સાથે એક વ્યક્તિને લઇ જવાની પરવાનગી અપાશે. વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી આયોગે કવાયત શરૂ કરી છે. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી બી. બી. સ્વૈન દ્વારા રાજ્યમાં અપંગ અને સિનિયર સિટીઝનોનો સર્વે કરાવાયો હતો, જેમાં મતદાતાને કયા પ્રકારની મદદ જોઇએ છે તેની માહિતી પણ એકઠી કરાઇ છે.અત્યાર સુધીમાં ૭૦ હજાર મતદારોએ મદદ મેળવવા તૈયારી બતાવી છે.મતદાનના દરેક બૂથમાં રેમ્પની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે. અપંગ મતદાતાઓને વ્હીલચેર ફાળવવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓની મદદ લેવાશે.
દરેક બૂથ પર વોલન્ટિયર્સ તરીકે આ વર્ષે કોલેજિયનોને મૂકવામાં આવશે.